મેઘના ગુલઝાર દિગ્દર્શિત, આલિયા ભટ્ટ અભિનીત ‘રાઝી’ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

મુંબઈ – મેઘના ગુલઝાર દિગ્દર્શિત, આલિયા ભટ્ટ અભિનીત ‘રાઝી’ ફિલ્મ ઓપનિંગ વીકએન્ડમાં જ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. સમીક્ષકો અને દર્શકોએ ફિલ્મને વખાણી છે. તે છતાં આ ફિલ્મ પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો છે. આ માટે પાકિસ્તાન સેન્સર બોર્ડે એવું કારણ આપ્યું છે કે ફિલ્મની વાર્તા વિવાદાસ્પદ છે. પાકિસ્તાનમાં આ ફિલ્મને ખરીદવા કોઈ વિતરક તૈયાર નથી. કેટલાકનો આરોપ છે કે ફિલ્મમાં પાકિસ્તાનને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે.

‘રાઝી’ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ફિલ્મમાં આલિયાએ ભારતીય જાસૂસ તરીકેની ભૂમિકા કરી છે.

‘રાઝી’ પર પ્રતિબંધ મૂકવાના પાકિસ્તાન સેન્સર બોર્ડના નિર્ણય અંગે આલિયાએ કહ્યું કે, ‘આવો વ્યવહાર કરાયો હોય એવી કંઈ આ પહેલી બોલીવૂડ ફિલ્મ નથી. પાકિસ્તાનના નિર્ણય અંગે અમે કંઈ અંગત રીતે લેતા નથી. આ ફિલ્મમાં અમે કોઈની તરફેણ કરી નથી કે કોઈની ટીકા કરી નથી. અમને આશા છે કે રાઝી ત્યાં પણ રિલીઝ થશે અને નહીં થાય તો પણ અમને કંઈ ખોટું નહીં લાગે.’

આલિયાની હવે નવી ત્રણ ફિલ્મો આવી રહી છે – ‘ગલી બોય’, ‘કલંક’ અને ‘બ્રહ્માસ્ત્ર’. આ ત્રણેયના શૂટિંગ હાલ ચાલુ છે.

‘રાઝી’ જોઈને કેટલાક લોકો રડી પડ્યા

”રાઝી’ જોઈને કેટલાક લોકો રડી પડ્યા હતા એવું મેં જાણ્યું. મને એ બહુ ગમ્યું. આનો અર્થ એ કે અમારું કામ સફળ રહ્યું’, એમ આલિયા ભટ્ટે ફિલ્મ વિશે દર્શકોના પ્રતિભાવ અંગે જણાવ્યું.

‘ફિલ્મ વિશે સકારાત્મક પ્રતિસાદ આવશે એવું અમે ધાર્યું હતું, પણ ફિલ્મ જોઈને લોકો રડી પડશે એવું ધાર્યું નહોતું. અમે તો શરૂઆતથી જ એવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું કે એ દર્શકોને ખૂબ ગમે અને અમને ગર્વ છે કે અમે એવી ફિલ્મ બનાવી શક્યાં,’ એમ આલિયા વધુમાં કહે છે.

‘કેટલાક લોકો ફિલ્મ જોઈને રડી પડ્યાં એ જાણીને અમને આનંદ સાથે આઘાત લાગ્યો. અમને ઘણી ખુશી થઈ છે, ખાસ કરીને મેઘના ગુલઝાર માટે, જેઓ આ ફિલ્મ બનાવતી વખતે અનેક દિવસો સુધી પૂરતી નિંદર પણ લઈ શક્યાં નહીં હોય. ફિલ્મની રિલીઝ પૂર્વે એ બહુ નર્વસ હતાં, પણ હવે જ્યારે દર્શકોનો પ્રતિસાદ જાણ્યો છે ત્યારે અમે સૌ ખુશ છીએ’, એવું આલિયા ભટ્ટે વધુમાં કહ્યું.

દેશભરમાં 1200 સ્ક્રીન્સ પર રિલીઝ કરાયેલી ‘રાઝી’ ફિલ્મનું બજેટ રૂ. 40 કરોડ હતું. શુક્રવારે પહેલા જ દિવસે એણે રૂ. 7.10 કરોડ કમાઈ લીધા હતા તો શનિવારની બોક્સ ઓફિસ કમાણીનો આંક હતો 11.25 કરોડ. આમ, પહેલા બે જ દિવસમાં ફિલ્મે 18.35 કરોડ કમાઈ લીધા હતા.