પત્ની કાજોલની સાથે ફરી કોઈ ફિલ્મ બનાવવાનો અજયનો વિચાર છે

0
1635

મુંબઈ – બોલીવૂડ એક્ટર અજય દેવગન અને એની અભિનેત્રી પત્ની કાજોલ કેટલીક ફિલ્મોમાં સાથે ચમકી ચૂક્યા છે અને બોક્સ ઓફિસ પર એ સફળ પણ થઈ છે. હવે એમનાં પ્રશંસકોને આ જોડી ફરી મોટા પડદા પર જોવા મળી શકે છે. અજય દેવગન એની પત્ની સાથે મળીને કોઈક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હોવાનો અહેવાલ છે.

દેવગને એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘હું અને કાજોલ અમારી સંબંધિત કારકિર્દીમાં એવા તબક્કા પર આવ્યા છીએ કે અમે એક જ પ્રકારના પાત્રો ભજવી શકીએ નહીં. કોઈ નિર્માતા કે લેખક એવી સ્ક્રિપ્ટ લઈને આવે જે પડકારજનક હોય અને ફિલ્મમાં અમારા બંનેની હાજરીને ન્યાય આપનારી હોય તો અમે ફરી સાથે એક્ટિંગ કરવા તૈયાર છીએ.’

અજય અને કાજોલે 1999માં લગ્ન કર્યા હતા અને એમને બે સંતાન છે. 48 વર્ષીય અજયનું કહેવું છે કે, ‘અમને બંનેને ફરી કોઈ ફિલ્મમાં સાથે કામ કરવાનું જરૂર ગમશે, પણ લવ સ્ટોરી હશે તો યોગ્ય નહીં કહેવાય.’

‘અમે જ્યારે યુવાન હતા ત્યારે ‘હલચલ’ (1995), ‘પ્યાર તો હોના હી થા’ (1998), ‘રાજુ ચાચા’ (2000) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યારબાદ મેં પોતે ‘યૂ મી ઔર હમ’ બનાવી હતી. કાજોલની સાથે ફરી કોઈ ફિલ્મ બનાવવાનું મને જરૂર ગમશે અને મને ખાતરી છે કે તમે જો કાજોલને પૂછશો તો એ પણ આમ જ કહેશે. તે છતાં, આ તબક્કે રાબેતા મુજબની લવ સ્ટોરી અમારા માટે આદર્શ સ્ક્રિપ્ટ નહીં કહેવાય, કારણ કે અમને લગ્ન કર્યાને બે દાયકા વીતી ગયા છે,’ એમ અજયનું વધુમાં કહેવુું છે.

અજય અને કાજોલ 1995માં ‘ગુંડારાજ’ના સેટ પર સૌથી પહેલા મળ્યા હતા અને ત્યારથી એકબીજાની વધારે નિકટ આવ્યા હતા. એમણે ‘દિલ ક્યા કરે’ અને ‘ઈશ્ક’ ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું.