મશહૂર અભિનેત્રી રીટા ભાદૂરીનું મુંબઈમાં અવસાન; એમને કિડનીની બીમારી હતી

મુંબઈ – હિન્દી અને ગુજરાતી ફિલ્મો તેમજ ટીવી સિરિયલોનાં અભિનેત્રીના મશહૂર અદાકાર રીટા ભાદૂરીનું આજે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ કિડનીની બીમારીથી પીડાતાં હતાં અને છેલ્લાં 10 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતાં. એ 62 વર્ષનાં હતાં.રીટા ભાદૂરીને વિલે પારલેની સુજય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમણે ગઈ મધરાત બાદ આશરે 1.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારબાદ એમનાં પરિવારજનો વહેલી સવારે લગભગ 4 વાગ્યે રીટાનાં પાર્થિવ શરીરને હોસ્પિટલમાંથી લઈ ગયા હતા.

આજે બપોરે પારસીવાડા, ચકલા, અંધેરી પૂર્વના સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી તેમનાં પાર્થિવ દેહને ડી-7/4 જલનિધિ બાંગુરનગર ગોરેગાંવ વેસ્ટમાં બરુન મુખરજીના ઘેર અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.

રીટા ભાદૂરીને છેલ્લાં કેટલાક દિવસથી બીમારી વધતાં દર બીજા દિવસે ડાયાલિસીસ પર જવું પડતું હતું. આટલી ખરાબ તબિયત વચ્ચે પણ તેઓ પોતાનું શૂટિંગ પૂરું કરતાં હતાં. જેના કારણે તેમની સગવડ પ્રમાણે નીમકી મુખિયાની તેમની ભૂમિકાનું શૂટિંગ પૂરું કરવામાં આવતું હતું.

હાલની પેઢી તેમને ટીવી એકટ્રેસના રુપમાં જાણે છે પરંતુ તેઓએ અનેક ગુજરાતી ફિલ્મો સહિત હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને અનેક ઇનામઅકરામ પ્રાપ્ત કર્યાં હતાં.

પાંચ દાયકાની કારકિર્દીમાં રીટા ભાદૂરીએ ‘રાજા’, ‘જુલી’, ‘બેટા’, ‘કભી હાં કભી ના’, ‘ક્યા કેહના’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘મૈં માધુરી બનના ચાહતી હૂં’, ‘નાગીન ઔર સુહાગન’, ‘સાવન કો આને દો’ જેવી 70થી વધુ ફિલ્મોમાં મહત્ત્તવની સહાયક ભૂમિકાઓ કરી હતી. એમણે અમિતાભ બચ્ચન-હેમા માલિની અભિનીત ‘નાસ્તિક’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

એમણે આ ગુજરાતી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ કરી હતી – ‘ઘેર ઘેર માટીના ચુલા’, ‘કાશીનો દીકરો’, ‘અખંડ ચુડલો’, ‘પ્રીત ઘેલા માનવી’, ‘સંસાર ચક્ર’, ‘પીઠી પીળી ને રંગ રાતો’, ‘વાગી પ્રેમ કટારી’, ‘કેવી રીતે જઈશ’, ‘ગરવી નાર ગુજરાતણ’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘પારકી જણી’, ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ વગેરે.

તેઓ 30થી વધુ હિન્દી ટીવી સિરિયલોમાં પણ ચમક્યાં હતાં. ‘નીમકી મુખિયા’માં તો તેઓ તાજેતરના સમય સુધી સક્રિય હતાં. એમની જાણીતી હિન્દી સિરિયલો છે – હસરતેં, સારાભાઈ વર્સિસ સારાભાઈ (ઈલાબેન મધુસુદન), ખીચડી (હેમલતા), એક નયી પેહચાન, અમાનત, એક મહલ હો સપનોં કા, કુમકુમ વગેરે. તેઓ માતા કે દાદી-નાનીનાં રોલ માટે જાણીતાં થયાં હતાં.

‘નીમકી મુખિયા’ સિરિયલમાં તેઓ ઘરનાં દાદીમા ઈમરાતી દેવી (દાદી)નો રોલ ભજવતાં હતાં.

રીટાનાં નિધનનાં સમાચારને અભિનેતા શિશિર શર્માએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા હતા.

રીટા બંગાળી હતાં. એમનો જન્મ ઈન્દોરમાં થયો હતો. FTIIમાંથી ગ્રેજ્યુએટ થયેલાં રીટા રાજશ્રી પ્રોડક્શન્સની પારિવારિક વાર્તાવાળી ફિલ્મોમાં નિયમિત ચમક્યાં હતાં.

રીટાનાં માતા ચંદ્રિમા ભાદુરી પોતે પણ અભિનેત્રી હતાં. બંદિની, સાવન ભાદોં, ચંદ્રિમાએ ચોર મચાયે શોર, ચલતે ચલતે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

રીટા ભાદૂરીએ ‘ગોપાલ ક્રિષ્ના’ ફિલ્મમાં રીટાએ યશોદાનો રોલ કર્યો હતો. જુઓ એ ફિલ્મના ગીતનો વિડિયો.

httpss://youtu.be/ZR84bNOQAIc