PMની ટીકાનો મામલોઃ પ્રકાશ રાજ પર લખનઉ કોર્ટમાં કેસ

લખનઉ- પાંચ વાર ઈન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત થયેલા જાણીતા અભિનેતા પ્રકાશ રાજ પર લખનઉની કોર્ટમાં કેસ ચાલશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા પ્રકાશ રાજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આકરી ટીકા-ટીપ્પણીઓ કરી હતી, ત્યારે આ મામલે એક વકીલે પ્રકાશ રાજ વિરૂદ્ધ કોર્ટમાં ફરીયાદ કરી છે.દક્ષિણપંથી વિચારધારાના આલોચક તેમજ ધર્મનિરપેક્ષતા વિશે મજબૂત વકીલાત કરતા ગૌરી લંકેશની સપ્ટેમ્બર મહિનામાં તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરના રોજ બેંગાલુરુમાં એક કાર્યક્રમમાં પ્રકાશ રાજે તેમના મિત્ર ગૌરી લંકેશના હત્યારાઓને ન પકડવા પર ગુસ્સો વ્યક્ત કરતાં વડાપ્રધાનની કાર્યશૈલીઓ પર ટીકા કરી હતી. પ્રકાશે કહ્યું હતુ કે લોકો સોશિયલ મીડિયા પર ગૌરી લંકેશની હત્યાની ખુશી મનાવી રહ્યા છે.

પ્રકાશે જણાવ્યું હતુ કે ખુશી મનાવનારા કેટલાક લોકો એવા પણ છે જેમને વડાપ્રધાન મોદી ટ્વિટર પર ફોલો કરે છે. પ્રકાશે વડાપ્રધાન વિશે વધુ ટીકા કરતા જણાવ્યું હતુ કે આપણી પાસે એવા વડાપ્રધાન છે કે જે આ મામલે આંખ બંધ કરીને બેઠા છે. પ્રકાશે જણાવ્યું હતુ કે વડાપ્રધાન મારા કરતા પણ સારા એક્ટર છે. વધુમાં પ્રકાશે જણાવ્યું હતું કે મોદીએ આ મામલે મૌન ધારણ કર્યું છે તે ખુબ જ ચિંતાનો વિષય છે અને તેઓ સતત ગૌરી લંકેશની હત્યાની ખુશી મનાવી રહેલા લોકોને ફોલો કરી રહ્યા છે. પ્રકાશ રાજે પોતાના નિવેદન બાદ ટ્વિટર પર એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતુ કે મે મારા નેશનલ એવોર્ડ પરત કરવાની વાત નથી કરી, કોઈ મુર્ખ જ આવું કામ કરી શકે.