શેરબજારમાં દીવાળીઃ નિફટીએ ઈતિહાસમાં પહેલીવાર 10,200ની સપાટી કૂદાવી

0
2387

અમદાવાદ- શેરબજારમાં ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ તેજીની આગેકૂચ રહી હતી. દીવાળીના તહેવારોની ઉજવણી શેરબજારમાં શરૂ થઈ હોય તેમ શેરબજારમાં તેજી કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. તેજીવાળા ખેલાડીઓની જોરદાર લેવાલીથી સેન્સેક્સે આજે 32,687.32ની ઑલ ટાઈમ હાઈ સપાટી બતાવી હતી. તેમજ નિફટી ઈન્ડેક્સે 10,200ની અતિમહત્વની સપાટી કૂદાવીને 10,242.95 લાઈફ ટાઈમ સપાટી બનાવી હતી.

એશિયાઈ સ્ટોક માર્કેટની તેજી પાછળ ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખુલ્યા હતા. માર્કેટ ખુલતા જ સેન્સેક્સ અને નિફટી નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી. શેરબજારમાં હાલ દીવાળીના ઉત્સવના માહોલ સર્જાયો છે. આઈઆઈપી ગ્રોથ ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યો છે, અને મોંઘવારી દર પણ ઘટીને આવ્યો છે. એટલે કે સ્થાનિક માઈક્રો ઈકોનોમીના આંકડા પોઝિટિવ થયા છે. જીએસટીના અમલ પછી આઈએમએફે પણ ભારતનો ગ્રોથ વધવાની ધારણા વ્યકત કરી છે. પરિણામે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.

આજે આઈડિયા, વેદાન્તા, ઓરોબિન્દો ફાર્મા, હિન્દાલકો અને ભારતી ઈન્ફાટેલમાં ભારે લેવાલીથી તેજીની આગેકૂચ રહી છે. તેમજ ઈન્ડેક્સ બેઝડ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી છે. આજે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી છે. તમામ ઈન્ડેક્સ પ્લસમાં ટ્રેડ કરી રહ્યા છે.