CM રુપાણીએ સરહદ પરના જવાનોને સવલતો પુરી પાડવા વચન આપ્યું

ભૂજ– મુખ્યપ્રધાન વિજય રુપાણીએ દીવાળી પર્વ કચ્છ બોર્ડર પર ફરજ પરના બીએસએફના જવાનો સાથે મનાવતાં જાહેર કર્યું કે સરહદના આ સંત્રીઓને માળખાકીય સવલતો રાજ્ય સરકાર ત્વરાએ પહોંચાડશે. તેમણે કચ્છની સીમાઓ સાચવતાં આ જવાનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નર્મદા જળ પાઈપ લાઈનથી પહોંચાડવાની તેમ જ આ જવાનો પોતાના પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે માટે મોબાઈલ કનેક્ટિવિટી માટે ટાવર ઉભા કરવાની પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે.વિજયભાઈ રૂપાણીએ સિરિકીર્કમાં ફ્લોટિંગ બી.ઓ.પી માં દરિયામાં દેશની સરહદની નિગેહબાની કરતા જવાનોને બિરદાવ્યાં હતાં. તેમણે કહ્યું કે દેશ માટે જીવવું દેશ માટે જ ફના થઈ જવું એવી વતનપરસ્તીથી સેવારત આ જવાનો પ્રત્યે દેશને ગૌરવ અને માન છે. આ અગાઉ મુખ્યપ્રધાને માતાના મઢ જઇને આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા. તેમણે સૌના મંગલ અને રાજ્યની સમૃદ્ધિ શાંતિ સલામતી માટે પ્રાર્થના કરી હતી. અંજલિ રૂપાણી તેમ જ બીએસએફના આલા અફસરો આ વેળાએ જોડાયાં હતા. વિજયભાઈ રૂપાણી એ ઘરપરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા આ જવાનોને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી.બેસતા વર્ષે સીએમનો કાર્યક્રમ

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આવતીકાલે શુક્રવારે વિક્રમ સંવત 2074 ના પ્રથમ દિવસનો પ્રારંભ સવારે 7.30 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિર દર્શન કરીને કરશે. તેઓ ત્યારબાદ 8 થી 8.45 દરમ્યાન પ્રધાનમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓ આદાનપ્રદાન કરશે. મુખ્યપ્રધાન સવારે 8.50 વાગ્યે રાજ્યપાલને રાજભવનમાં મળી નૂતન વર્ષ શુભકામનાઓ પાઠવીને 9.30 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી મંદિર દર્શન કરવા જશે. ત્યારબાદ તેઓ 10.30 થી 11.30 સરકીટ હાઉસ એનેક્ષી પ્રાંગણમાં નાગરિકો-અધિકારીઓ તેમ જ જનતા જનાર્દન સાથે નવા વર્ષની શુભેચ્છા આપ લે કરશે. તેઓ 11.45 વાગ્યે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં પોલીસ અધિકારીઓના નૂતન વર્ષ સ્નેહમિલનમાં હાજરી આપશે.