ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાની સિસ્ટમ એક જ દિવસમાં પ્રોસેસ થઈ જશે; ઈન્ફોસીસને કોન્ટ્રાક્ટ અપાયો છે

નવી દિલ્હી – કેન્દ્ર સરકાર ઈન્કમ ટેક્સ ફાઈલિંગ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરી રહી છે. એણે અદ્યતન એવી ઈન્કમ ટેક્સ ફાઈલિંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે આઈટી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઈન્ફોસીસને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એ માટે સરકારે રૂ. 4,241.97 કરોડનો ખર્ચ અંદાજ્યો છે.

આ ઈન્ટીગ્રેટેડ ઈ-ફાઈલિંગ સિસ્ટમ ડેવલપ થવાથી ઘણો ફરક પડશે. હાલ ઈ-ફાઈલિંગ માટે 63 દિવસ લાગે છે, પણ નવી સિસ્ટમ ડેવલપ થયા બાદ એ કામ માત્ર એક જ દિવસમાં પૂરું થઈ જશે અને રીફંડ ઝડપથી મળી જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે આવકવેરા વિભાગના ઈન્ટીગ્રેટેડ ઈ-ફાઈલિંગ એન્ડ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર 2.0 પ્રોજેક્ટ માટે રૂ. 4,241.97 કરોડનો ખર્ચ મંજૂર કરી દીધો છે. આ જાણકારી કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે આપી છે જે હાલ અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયને લગતી બાબતો સંભાળે છે. જેટલી તબીબી ચેકઅપ માટે અમેરિકા ગયા છે.

ગોયલનું કહેવું છે કે નવો પ્રોજેક્ટ 18 મહિનામાં પૂરો કરાશે અને ત્યારબાદ ચકાસણી થયા બાદ ત્રણ મહિને એ અમલમાં મૂકાશે.

ઈન્ફોસીસે કહ્યું છે કે બિડિંગ પ્રક્રિયા બાદ આ પ્રોજેક્ટ માટે પોતાની પસંદગી કરવામાં આવી છે.

નવી સિસ્ટમ કરદાતાઓને વધુ સરળતાભરી હશે.