જાન્યુઆરીથી વધી શકે છે તમારુ કેબલ અને DTH બિલ

નવી દિલ્હીઃ બ્રોડકાસ્ટ સેક્ટર માટે નવો ટેરિફ ઓર્ડર લાગૂ થયા બાદ 1 જાન્યુઆરીથી આપનું માસિક કેબલ અથવા ડીટીએચ બિલ વધી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા નક્કી કરવામાં આવેલી ટેરિફ સિસ્ટમ અનુસાર, ગ્રાહક પાસે હવે તે ટેલિવિઝન ચેનલોને પસંદ કરવાનો અને ચૂકવણી કરવાનો વિકલ્પ હશે જેને ગ્રાહક જોવા માંગે છે. આના માટે આપે તેની સાથે સંબંધિત બ્રોડકાસ્ટર દ્વારા નક્કિ કરવામાં આવેલી મેક્સિમમ રિટેલ પ્રાઈઝ ચૂકવવાની રહેશે.

છેલ્લા કેટલાક દિવસોમાં તમામ ટેલિવિઝન નેટવર્ક્સે પોતાની ચેનલો માટે એ-લા-કાર્ટ એમઆરપી રજૂ કરી છે. મોટા બ્રોડકાસ્ટર્સે પોતાના પેકેજ પણ આપ્યા છે કે જેમાં લોકપ્રિય અથવા ફ્લેગશિપ ચેનલો સાથે ખરાબ પ્રદર્શન કરનારી અથવા ઓછી લોકપ્રિય ચેનલો જોડાયેલી છે. બેઝિક, નોન-પ્રીમિયમ ચેનલો માટે મોટા રાજ્યોના એક ગ્રાહકે પ્રતિમાસ 430-440 રુપિયાની ચૂકવણી કરવી પડશે. અત્યારે નાના શહેરોમાં ગ્રાહકો 200-250 રુપિયા પ્રતિમાસ બિલ ચૂકવે છે. મોટા શહેરોમાં 250 રુપિયાથી વધારે ચેનલો માટે માસિક બિલ 350-400 રુપિયા વચ્ચે છે.

નવા રેટ સ્ટ્રક્ચર અનુસાર એક ગ્રાહકને 100 ચેનલોના પહેલા સેટ માટે 130 રુપિયા + ટેક્સ ચૂકવવા પડશે. આમાં મોટાભાગે ફ્રી ટુ-એર ચેનલ હશે. આમાં સ્ટાર ઈન્ડિયા, ઝી એન્ટરટેનમેન્ટ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ જેવી ટોપ ટીવી નેટવર્ક્સની કોઈ લોકપ્રિય ચેનલ નહી હોય. જો કોઈ ગ્રાહક ટોપ બ્રોડકાસ્ટર્સ પાસેથી બેઝિક પેકેજ ખરીદવાનો નિર્ણય કરે છે તો તેને 95 પે ચેનલો માટે વધારે 184 રુપિયા આપવા પડશે. આ ચેનલોમાં જનરલ એન્ટરટેઈનમેન્ટ, મૂવી, કિડ્સ, મ્યૂઝિક, અને ઈન્ફોટેનમેન્ટ ચેનલનો સમાવેશ થશે.

મોટા શહેરો સાથે નાના શહેરોમાં પણ ગ્રાહકનું ટીવી સર્વિસિઝ માટે બિલ વધી જશે. ટ્રાઈ અનુસાર ચાર મેટ્રો શહેર ફેઝ 1માં આવે છે, જ્યારે 10 લાખથી વધારે જનસંખ્યા વાળા શહેર ફેઝ 2 કેટેગરીમાં છે. ફેઝ 3 માં તે શહેર આવે છે કે જેમની જનસંખ્યા 1 લાખથી વધારે છે. ફેઝ 4 માં 1 લાખથી ઓછી જનસંખ્યા વાળા નાના શહેર છે.