ભારતનો જીડીપી ગ્રોથ 2018-19માં 7.3 ટકા રહેશેઃ વર્લ્ડ બેંકનું અનુમાન

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2018-19માં ભારતનો જીડીપી ગ્રોથ 7.3 ટકા રહેશે. ત્યાં જ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાના 7.5 ટકાના દરથી વધવાની આશાઓ છે. સરકારી આંકડાઓ અનુસાર 2017-18ના ત્રીજા ત્રીમાસીક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ રેટ વધીને 7.2 ટકા થઈ ગયો છે. તો આ સાથે જ ભારતીય અર્થવ્યવસ્થા ચીનને પાછળ રાખીને તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ડિસેમ્બરના ત્રીમાસીક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 6.8 ટકા રહ્યો હતો.

2017-18માં 6.7 ટકા ગ્રોથનું અનુમાન

વર્લ્ડ બેંકના છમાસીક પબ્લિકેશનમાં 31 માર્ચના રોજ સમાપ્ત નાણાકિય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ 6.7 ટકા રહી શકે છે. જો કે વર્લ્ડ બેંકે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ક્રેડિટ, ઈન્વેસમેન્ટ અને એક્સપોર્ટને વેગ આપવા માટે ભારતને 8 ટકાથી વધારે ગ્રોથ રેટની જરૂર હશે. સીએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા બીજા અનુમાન અનુસાર ચાલૂ નાણાકિય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.6 ટકા રહી શકે છે. પહેલા આ અનુમાન 6.5 ટકા હતું.

પુરી થઈ શકે છે નોટબંધી અને જીએસટીની અસર

રિપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા પર નોટબંધી અને જીએસટીની અસર રિકવર થઈ શકે છે અને આમા ધીરે-ધીરે લક્ષ્ય અનુસાર રિકવરી થવી જોઈએ. આ વર્ષે 7.5 ટકા જીડીપી ગ્રોથ રહે તેવું સરકારનું અનુમાન છે. નવેમ્બર 2016માં મોદી સરકારે કાળાનાણા પર અંકુશ લગાવવા માટે 500 અને 1000 રૂપીયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સરકારે ઈનડાયરેક્ટ ટેક્સ રિફોર્મ કર્યું. આ અંતર્ગત સિંગલ ટેક્સ સિસ્ટમ જીએસટી લાવવામાં આવ્યું. આખા દેશમાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગૂ થઈ ગયું. આ સમયે બંન્ને નિર્ણયોની અસર શોર્ટ ટર્મ ઈકોનોમિક ગતિવિધિઓ પર પડી અને ગ્રોથ રેટ ધીમો થયો. ગત જૂન ત્રીમાસીક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ 5.7 ટકા આવી ગયો હતો કે જે ત્રણ વર્ષમાં સૌથી ઓછો હતો.