જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા એન્ડ્રોઈડ, આઈફોનને વોટ્સએપ સપોર્ટ બંધ થશે

0
524

મુંબઈ – લોકપ્રિય મેસેજિંગ સેવા વોટ્સએપે અમુક મહિનાઓ પૂર્વે જાહેરાત કરી હતી કે અમુક આઈફોનને એનો સપોર્ટ બંધ થશે. હવે એણે અમુક એન્ડ્રોઈડ ફોન ઉપર સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરીને એન્ડ્રોઈડ યુઝર્સને આંચકો આપ્યો છે.

વોટ્સએપના FAQમાં આ બાબતે ફેરફારોવાળી સૂચના આપવામાં આવી છે.

1 ફેબ્રુઆરી, 2020થી જૂની એન્ડ્રોઈડ 2.3.7 ઓપરેટિંગ સિસ્ટમવાળા બધાં એન્ડ્રોઈડ ફોન અને iOS 7 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા બધા આઈફોન પરથી વોટ્સએપ બંધ થવાનું છે. ઉપર જણાવેલી તારીખ જતી રહ્યા બાદ ઉપર જણાવેલી OS પર ચાલનારા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ બનાવી શકાશે નહીં તેમજ હાલના એકાઉન્ટ્સને રીવેરીફાઈ પણ કરી શકાશે નહીં.

જો કે, યુઝર્સે હેરાન થવાની જરૂર નથી. કેમ કે, વોટ્સએપે જણાવ્યું છે કે આ નિર્ણયની અસર એન્ડ્રોઈડ તેમજ આઈફોનના જૂના સ્માર્ટફોન ઉપર જ થશે. જેની સંખ્યા બહુ ઓછી રહી ગઈ છે.

એન્ડ્રોઈડ 4.0.3 અને ત્યારપછીના વર્ઝનવાળા ફોન તેમજ આઈફોન iOS 7 પછીના વર્ઝનવાળા ફોન વાપરવા વોટ્સએપે યુઝર્સને જણાવ્યું છે.

વોટ્સએપે ભલામણ કરી છે કે લોકોએ 4.0.3 અથવા તે પછીની OS સંચાલિત એન્ડ્રોઈડ ફોન અને iOS 8 કે તે પછીના વર્ઝનવાળા આઈફોન તેમજ KaiOS 2.5.1 કે ત્યારબાદના વર્ઝન સ્માર્ટફોન વાપરવા. આમાં જિયો ફોન અને જિયો ફોન 2નો સમાવેશ થાય છે.