ફેક ન્યૂઝ સામે જંગઃ રૂ. 34 લાખના વોટ્સએપ રિસર્ચ એવોર્ડ્સની જાહેરાત

નવી દિલ્હી – પોતાના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ (નકલી સમાચારો) અને અફવાઓનો ફેલાવો થવાની સમસ્યાનો સામનો કરવા માટે જાણીતી મેસેજિંગ સેવા, વોટ્સએપ દ્વારા પ્રત્યેક રિસર્ચ પ્રસ્તાવ દીઠ રૂ. 34 લાખ સુધીની રકમના રિસર્ચ એવોર્ડ્સની જાહેરાત કરી છે.

ફેસબુકની માલિકીની વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને અફવાઓનો ફેલાવો થવાને કારણે દેશમાં ટોળા દ્વારા હિંસાના બનાવો બની રહ્યા હોવાથી ભારત સરકારે આપેલી ચેતવણીને પગલે વોટ્સએપે ઉપર મુજબની જાહેરાત કરી છે. તેણે આ સમસ્યાનો સામનો કરવામાં ભારતીય નિષ્ણાતોની મદદ પણ માગી છે.

ભારતમાં વોટ્સએપ મારફત ખોટા સમાચાર દાવાનળની જેમ શા માટે ફેલાવવામાં આવે છે તે શોધી કાઢવા માટેના સંશોધન માટે પોતે પૈસા આપશે એવું વોટ્સએપે કહ્યું છે.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે વોટ્સએપને કહ્યું છે કે નકલી સમાચારો અને સામગ્રીના ફેલાવાને રોકવા માટે તે જરૂરી ઉપાયકારી પગલાં લે.

વોટ્સએપ રિસર્ચ એવોર્ડ્સ માટે ઈનામની ધરખમ રકમ રાખવામાં આવી છે. પ્રત્યેક રિસર્ચ પ્રસ્તાવ 50 હજાર ડોલર સુધીની ઈનામી રકમ રાખી છે.

ભારતમાં વોટ્સએપના 20 કરોડ એક્ટિવ યુઝર્સ છે.

યુઝર્સની સલામતી બાબતની સમસ્યાઓ વિશે પોતાની સમજનો વ્યાપ વધારતાં વોટ્સએપે એક નિવેદનમાં કહ્યું છે કે આ માટે તેણે સંશોધકો માટે સ્પર્ધાત્મક ઈનામો શરૂ કર્યા છે. ભારતમાં વોટ્સએપ પર ગેરમાહિતીનો ફેલાવો કરવા સંબંધિત કારણોને શોધી કાઢવામાં જે સંશોધકોને રસ હોય તે આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે.

વોટ્સએપે આ માટે ભારતના અગ્રગણ્ય નિષ્ણાતોની મદદ પણ માગી છે. એમની પાસેથી તેને એ જાણવું છે કે ભારતમાં લોકો ગેરમાહિતીનો ફેલાવો કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સનો કઈ રીતે ઉપયોગ કરતા હોય છે. સ્થાનિક સંશોધકો-નિષ્ણાતો પોતાને મદદરૂપ થઈ શકશે એવું વોટ્સએપનું માનવું છે.