ટ્રમ્પની ભારતને ધમકીઃ અમેરિકી સામાનો પર ટેક્સ ઓછો નહીં કરો તો ભોગવવું પડશે

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને ધમકી આપી છે કે જો અમેરિકી સામાનો પર ટેક્સ ઓછો નહીં કરવામાં આવે તો અમે લોકો પણ એટલો જ ટેક્સ લગાવીશું. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અન્ય દેશો પાસેથી આયાતનો ખૂબ જ ઓછો ટેક્સ વસૂલે છે. પરંતુ અન્ય દેશો અમારા સામાનો પર વધારે ટેક્સ લગાવે છે. ટ્રમ્પે ધમકીભર્યા અવાજે કહ્યું કે અન્ય દેશો ટેક્સ ઓછો નહીં કરે તો અમે પણ જવાબી ટેક્સ લગાવીશું.

ઘણીવાર ટ્રમ્પે ઉઠાવ્યો છે મુદ્દો

છેલ્લા થોડા સમયમાં ટ્રમ્પે ઘણીવાર અમેરિકાથી આયાત કરવામાં આવતા મોંઘા બાઈક હાર્લી ડેવિડસન પર આશરે 50 ટકા શુલ્ક લગાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે વારંવાર એ વાત પર જોર આપ્યું કે અમેરિકા ભારતથી આયાત કરવામાં આવતા બાઈક પર શૂન્ય ટેક્સ લગાવે છે. ટ્રમ્પે કહ્યું છે કે અમે ગમે ત્યારે જવાબી ટેક્સ યોજના અપનાવીશું. ટ્રમ્પે જણાવ્યું કે ચીન અમારા પર 25 ટકા ટેક્સ લગાવે છે કે અને ભારત 75 ટકા ટેક્સ લગાવે છે અને અમે લોકો તેમના દેશમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર શૂન્ય ટેક્સ લગાવીએ છીએ.

નિષ્પક્ષ વ્યવહાર ન કરવાનો લગાવ્યો આરોપ

ટ્રમ્પે જણાવ્યું કે જો તેઓ 50 ટકા અથવા 75 ટકા અથવા તો 25 ટકા ટેક્સ લગાવે છે તે અમે લોકો પણ એટલો જ ટેક્સ લગાવીશું. જો તેઓ અમારા દેશમાંથી આયાત થતી કોઈપણ વસ્તુ પર 50 ટકા ટેક્સ વસૂલે છે તો અમે લોકો પણ તેમના દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર તેટલો જ ટેક્સ વસૂલીશું. ટ્રમ્પે જણાવ્યું કે પ્રશાસનના પ્રથમ વર્ષમાંથી જવાબી કરનું માળખું તૈયાર થઈ ગયું હતું. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે અમેરિકી કંપનીઓ સાથે અન્ય દેશો નિષ્પક્ષ વ્યવહાર નથી કરી રહ્યાં.

ચીનની કાર પર અમે લગાવીએ છીએ માત્ર 2.2 ટકા ટેક્સ

ટ્રમ્પે ટેસ્લાના પ્રમુખ એલન મસ્કના ટ્વિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ચીન અમેરિકન ફોર વ્હિલર કાર પર 25 ટકા જેટલો ટેક્સ લગાવે છે જ્યારે અમે લોકો ચીનથી આયાત થતી ગાડીઓ પર માત્ર 2.5 ટકા જેટલો જ ટેક્સ લગાવીએ છીએ. ટ્રમ્પે જણાવ્યું કે જવાબી કર કાર્યક્રમથી અમેરિકા માટે નિષ્પક્ષ વ્યાપાર સોદો સુનિશ્ચિત થશે.