કશ્મીરમાં કસમયની હિમવર્ષાને કારણે સફરજનનાં પાકનો નાશ; ઉદ્યોગને કરોડોની આર્થિક ખોટ

0
794

શ્રીનગર – છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કશ્મીર ખીણપ્રદેશમાં થયેલી આ મોસમની વહેલી હિમવર્ષાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે અને સફરજનની ખેતીને તેમજ અન્ય ફળઝાડની વાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે.

કસમયની હિમવર્ષાને કારણે કશ્મીર ચીનાબ ખીણપ્રદેશમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સૌથી વધારે માઠી અસર સફરજન વ્યાપાર ઉદ્યોગને થઈ છે. ખેતી અને સફરજનનાં ઝાડને વ્યાપક નુકસાન થવાથી આ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન જશે.

જમ્મુ અને કશ્મીર રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ આ કુદરતી આફતને ધ્યાનમાં લઈને કિસાનોને મદદરૂપ થવાની ખાતરી આપી છે. રાજ્ય સરકાર સફરજનની ખેતી કરતા કિસાનો અને ઉદ્યોગને થનાર આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્તોને વળતર આપવાનું નક્કી કરશે.

ગયા શનિવારે થયેલી હિમવર્ષાને કારણે કશ્મીરમાં મોટી સંખ્યામાં સફરજન આવેલા ઝાડ કાં તો ઉખડી ગયા છે અથવા એમને નુકસાન પહોંચ્યું છે.

દરમિયાન, શનિવાર સાંજ અને રવિવાર બપોર સુધી કશ્મીર ખીણમાં અનેક ઠેકાણે વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો.

હિમવર્ષાને કારણે અનેક ઝાડ ઉખડીને વીજળીના વાયરો પડવાને લીધે વીજપૂરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.