બજેટ 2018: IT સ્લેબ યથાવત્; ગરીબો, મહિલાઓ, કિસાનોને રાહત

નવી દિલ્હી – નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ભાજપની આગેવાની હેઠળની વર્તમાન એનડીએ સરકારનું સંપૂર્ણ સ્તરનું છેલ્લું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કર્યું છે. જેટલીએ વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ પગારદાર લોકોને થોડીક રાહત આપી છે. 250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનાર કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. આમ, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગરીબો, કિસાનો, મહિલાઓ માટે અનેક મોટી રાહત-ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

એનડીએ સરકારનું આ પાંચમું બજેટ છે. ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) દેશભરમાં લાગુ કરાયા બાદ વર્તમાન સરકારનું આ પહેલું જ બજેટ છે. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે સરકારનું અંતિમ સંપૂર્ણ બજેટ છે તેથી એનું મહત્વ વધી જાય છે.

અરૂણ જેટલીના બજેટ ભાષણની હાઈલાઈટ્સઃ

સ્ટાન્ડર્ડ ડિડક્શન પેટે 40,000 રૂપિયાની છૂટ આપી છે, પરંતુ…

· આરબીઆઇ બોન્ડ તરીકે જાણીતા સેવિંગ્સ બોન્ડ પર 10 હજાર રૂપિયા સુધીના વ્યાજને હવે ટીડીએસ લાગુ નહીં થાય.
· કરવેરા ધારાની કલમ 80ડી હેઠળ ફક્ત સીનિયર સિટિઝનોને રાહત મળશે. વરિષ્ઠ નાગરિકો માટેની પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળની રોકાણની મર્યાદા વધારીને 15 લાખ કરવામાં આવી છે. વ્યાજદર ઘટી રહ્યા છે એવા સંજોગોમાં આ પગલું આવકાર્ય હોવાનું નિષ્ણાતો કહે છે.
· સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન પેટે 40,000 રૂપિયાની છૂટ આપી છે, પરંતુ આ છૂટ આપીને પ્રવાસ અને મેડિકલ ભથ્થા રૂપે અપાતા 35,000 રૂપિયા સુધીના ડિડક્શનને પાછું ખેંચી લીધું છે.
  • મ્યુચ્યુઅલ ફંડ્સથી થનારી આવક પર 10 ટકા ટેક્સ લાગશે
  • તમામ સરકારી પ્રમાણપત્રો હવે ઓનલાઈન થશે
મ્યુચ્યુઅલ ફંડમાં મળતા ડિવિડંડ પર 10 ટકા ટેક્સ લાગુ કરવાની સરકારે જાહેરાત કરી છે. અત્યાર સુધી આ ડિવિડંડ કરમુક્ત રહેતું હતું. છેલ્લા એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં લોકોએ કરમુક્ત ડિવિડંડથી આકર્ષિત થઈને રોકાણ કર્યું હતું, પરંતુ હવે તેને કર લાગુ કરી દેવાતાં સામાન્ય રોકાણકારોને આંચકો લાગ્યો છે.
  • જેટલો પગાર હશે એમાં 40 હજાર રૂપિયા ઘટાડીને જે રકમ થશે એની પર ટેક્સ લાગશે
  • શિક્ષણ, મેડિકલ પર સેસ 1 ટકા વધ્યો, હવે 3 ટકાને બદલે 4 ટકા ટેક્સ ચૂકવવો પડશે
  • 4 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનથી રૂ. 2,100 સુધીનો લાભ થશે
  • પગારદાર વર્ગને મેડિકલ, ટ્રાન્સપોર્ટ રીઈમ્બર્સમેન્ટ અંતર્ગત 40 હજાર રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન
  • વરિષ્ઠ નાગરિકો જનરલ મેડિકલ ખર્ચ માટે રૂ. 50 હજાર સુધી ક્લેઈમ કરી શકશે
  • રૂ. 250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ લાદવામાં આવશે
  • ઈ-એસેસમેન્ટને લીધે ઈન્કમ ટેક્સ વિભાગની કામગીરીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવશે
  • મોબાઈલ ફોન પરની કસ્ટમ્સ ડ્યૂટી 15 ટકાથી વધારી 20 ટકા કરાઈ
  • ટેલિવિઝનના અમુક ભાગો પરની કસ્ટમ્સ ડ્યૂટી 15 ટકા
  • ઈક્વિટીમાં થતી આવક પર 10 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ
  • સીનિયર સિટિઝન્સે 50,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર ટેક્સ નહીં લાગે એ મહત્ત્વની જાહેરાત જેટલીએ કરીને તેમને મોટી રાહત આપી છે.
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન બધા પગારદારો માટે છે, માત્ર વરિષ્ઠ નાગરિકો માટે નહીં.
  • એજ્યૂકેશન સેસ, હેલ્થ સેસ 3 ટકાથી વધારી 4 ટકા
  • ભારતમાં વ્યાપાર કરવાનું આસાન થાય એ માટે કસ્ટમ્સ એક્ટ, 1962માં ફેરફારો કરાશે
  • પર્સનલ ઈન્કમ ટેક્સમાંથી થયેલી એક્સેસ રેવેન્યૂ વસૂલી રૂ. 90 હજાર કરોડ
  • નોટબંધીને પ્રામાણિક લોકોએ ‘ઈમાનદારી કા ઉત્સવ’ તરીકે આવકાર્યો છે
  • 1.89 કરોડ પગારદાર વર્ગનાં લોકોએ એમનાં ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કર્યાં છે
  • વીતી ગયેલા નાણાકીય વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો, હાલ ઈફેક્ટિવ કરદાતાઓની સંખ્યા 8.27 કરોડ
ઈક્વિટીમાં થતી આવક પર 10 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ

દેશમાં છેલ્લા એક વર્ષમાં સતત વધેલા શેરબજારને તોડી પાડનારા પગલામાં સરકારે ઈક્વિટીમાં થતી એક લાખ રૂપિયા કરતાં વધારેની આવક પર 10 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં મળતા ડિવિડંડ પર પણ 10 ટકા ટેક્સ લાગુ કરવાનું જાહેર કરાયું છે.
સરકારને આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ દ્વારા 20,000 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

  • ફાર્મર પ્રોડ્યૂસર કંપનીઓ તરીકે રજિસ્ટર થયેલી કંપનીઓને 100 ટકા ડિડક્શન મળશે
  • પર્સનલ ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
નોકરિયાતોને નિરાશા

સરકારે નોકરિયાતો માટેના આવક વેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હોવાથી સામાન્યજનની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે ફક્ત સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાનું કરી દીધું છે.
કરવેરા વિશે જાહેરાત કરતાં અરુણ જેટલીએ જણાવ્યું છે કે વર્ષ 2017-18માં પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત 12.6 ટકા અને પરોક્ષ કરવેરાની આવક 18.7 ટકા વધી છે.
કૃષિ ઉત્પાદક કંપની તરીકે રજિસ્ટર થયેલી 100 કરોડ રૂપિયા અને તેનાથી વધુ ટર્નઓવર કરતી કંપનીઓને પ્રથમ પાંચ વર્ષ સુધી 100 ટકા કરકપાત આપવામાં આવશે, એમ તેમણે જાહેર કર્યું છે.

  • ભારતીય રિઝર્વ બેન્ક કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યો છે
  • જાહેર ક્ષેત્રના 24 એકમોમાં સરકાર પોતાનો હિસ્સો વેચી દેશે
બજેટના ભાષણના 1 કલાક બાદ શેરબજાર ઘટ્યું

સવારે અગિયાર વાગ્યે નાણાપ્રધાનનું ભાષણ શરૂ થયા બાદ લગભગ એક કલાક સુધી શેરબજાર ઉંચે રહ્યા બાદ ઘટાડો શરૂ થયો હતો. આ લખાય છે એ સમયે સેન્સેક્ષ 107 પોઇન્ટ નીચો ગયો છે. આ ઘટાડો પ્રોફિટ બુકિંગને લીધે હોવાની શક્યતા છે, કારણકે જેટલીએ નવા નાણાકીય વર્ષ માટેની જોગવાઈઓની જાહેરાત શરૂ કરવા પહેલાં જ ઘટાડો થવા લાગ્યો હતો.

  • ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને નાબૂદ કરવા તમામ પગલાં લેવાશે
  • ટેક્સટાઈલ સેક્ટર માટે રૂ. 7148 કરોડનો યોજનાખર્ચ
  • મહિલાઓનું ઈપીએફ યોગદાન રોજગારના પહેલા 3 વર્ષ માટે ઘટાડીને 8 ટકા, માલિકનાં યોગદાનમાં કોઈ ફેરફાર નહીં
  • દેશમાં આઈકોનિક ટૂરિસ્ટ સ્થળોનો વિકાસ કરાશે. એ માટે 10 પર્યટન સ્થળોની પસંદગી કરાઈ છે
  • હેલ્થકેર યોજનાનો આરંભ, 10 કરોડ ગરીબ પરિવારોને લાભ થશે
  • દુનિયાની સૌથી મોટી આરોગ્ય રક્ષા યોજના જાહેર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે શું કહ્યું

ભારતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો વિકાસ કરવા માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર હોવાનું નાણાપ્રધાને કહ્યું છે. તેમણે જાહેર કર્યા મુજબ સેરા પાસમાં નવું બોગદું બનાવવામાં આવશે, જેથી પર્યટનને પ્રોત્સાહન આપી શકાય. દેશમાં 10 મુખ્ય પર્યટનસ્થળોને ખાનગી ભંડોળની તથા માર્કેટિંગ અને બ્રાન્ડિંગની મદદથી મહત્ત્વપૂર્ણ પર્યટનસ્થળ બનાવવામાં આવશે.
સરકારે 100 સ્માર્ટ શહેરો બનાવવાની યોજનાના ભાગ હેઠળ અત્યાર સુધીમાં 99 શહેરોની પસંદગી કરી લીધી છે. તેના માટે કુલ 2.04 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પહેલા તબક્કામાં 5.35 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 35,000 કિ.મી.નો માર્ગ વિકસાવવામાં આવશે.

  • મુંબઈની ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો રૂ. 11,000 કરોડના ખર્ચે વિસ્તાર કરવામાં આવશે
  • 142 શહેરોએ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ્સ મેળવ્યા છે
દુનિયાની સૌથી મોટી આરોગ્ય રક્ષા યોજના જાહેર

સરકારે વર્ષ 2018-19ના બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરી હોય એમ જણાય છે. તેણે 10 કરોડ પરિવારોને આરોગ્ય રક્ષા યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દ્વિતીય અને તૃતીય સ્તરની આરોગ્ય સેવાઓ માટે દરેક પરિવારને ઉક્ત કવચ આપવામાં આવશે, જેથી ગંભીર બીમારીઓનો ઉપચાર સારી રીતે કરાવી શકાય. આ યોજનાને વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી યોજના તરીકે જાહેર કરાઈ છે.
નાણાપ્રધાને બજેટના ભાષણમાં જણાવ્યા મુજબ સરકારે દરેક ત્રણ સંસદીય મતવિસ્તારો દીઠ 1 મેડિકલ કૉલેજ સ્થાપવાનો નિર્ધાર કર્યો છે. આગામી નાણાકીય વર્ષમાં 24 નવી મેડિકલ કૉલેજોની સ્થાપના કરવામાં આવશે. સરકાર હૉસ્પિટલોને મેડિકલ કૉલેજમાં પરિવર્તિત કરવા માટે પણ કામ કરશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ 1.5 લાખ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે, જેમાં આરોગ્યની સેવાઓ આપી શકાય. આ યોજના માટે 1,200 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરાઈ છે.
સરકારે ક્ષયની ગંભીરતાને અનુલક્ષીને આ બીમારીના દરદીઓ માટે 600 કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે. તેના હેઠળ દરદીને સારવારનો સંપૂર્ણ કૉર્સ પૂરો કરવામાં મદદ મળે એ માટે સારવાર તથા પોષણ માટે દર મહિને 500 રૂપિયાની મદદ કરવામાં આવશે.

  • 99 સ્માર્ટ શહેરોને વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. એ માટે રૂ. 2.04 લાખ કરોડની ફાળવણી
  • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના અંતર્ગત હાલ રૂ. 30,000નું કવરેજ અપાય છે. અમે આ યોજના 10 કરોડ પરિવારો સુધી પહોંચાડીશું, 50 કરોડ લાભાર્થીઓ હશે, દર વર્ષે પરિવાર દીઠ હેલ્થકેર/હોસ્પિટલાઈઝેશન માટે રૂ. પાંચ લાખ અપાશે
  • સરકાર આવતા ત્રણ વર્ષ માટે તમામ સેક્ટરો માટે ઈપીએફમાં નવા કર્મચારીઓના વેતનમાં 12 ટકા યોગદાન આપશે
  • દેશમાં 24 નવી સરકારી મેડિકલ કોલેજીસ અને હોસ્પિટલ્સ શરૂ કરાશે, હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરાશે
  • પ્રધાનમંત્રી જનધન યોજનાનો વિસ્તાર વધારાશે જેથી આ એકાઉન્ટ્સ દ્વારા પેન્શન યોજનાઓ પૂરી પાડી શકાય
  • 76 ટકા મુદ્રા યોજના લોન એકાઉન્ટ્સ મહિલાઓ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી લોકોનાં છે
કૃષિ, ગ્રામીણ વિસ્તાર, આરોગ્ય અને શિક્ષણને મહત્વઃ આશાવાદી બજેટને લીધે શેરબજાર પણ આશાવાદી રહ્યું
પ્રથમ બે મિનિટમાં કરેલી જાહેરાત અનુસાર જ કૃષિ, ગ્રામીણ વિસ્તાર, આરોગ્ય અને શિક્ષણને મહત્ત્વ આપતા બજેટમાં આ ક્ષેત્રો માટે સંખ્યાબંધ જાહેરાતો કરાઈ. આ બધી સકારાત્મક અને નાગરિકોને ઉપયોગી થાય એવી જાહેરાતોને લીધે શેરબજારને પણ આશા બંધાઈ હોય એમ બજેટના ભાષણને 45 મિનિટ વીત્યા બાદ પણ બજાર ઉપર છે. સેન્સેક્ષ 150 પોઇન્ટ ઉપરની સપાટીની આસપાસ રહ્યો છે.
  • મુદ્રા યોજના લોન એકાઉન્ટ્સ માટે 3 લાખ કરોડના ભંડોળણી ફાળવણી
  • 2022ની સાલ સુધીમાં દેશમાં પ્રત્યેક ગરીબ વ્યક્તિનું પોતાનું ઘર હશે. એ માટે શરૂ કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાઃ ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડ ઘર બાંધવામાં આવી રહ્યાં છે, શહેરી વિસ્તારોમાં 37 લાખ ઘર.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બાદ ઈઝ ઓફ લિવિંગ

ભારતીય નાગરિકોના જીવનધોરણને સુધારવા માટેનાં પગલાં ભરવાને અગ્રક્રમ આપવાની જાહેરાત નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટના ભાષણમાં કરી છે. આમ, આ વખતના બજેટમાં ઈઝ ઓફ લિવિંગને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ તેણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઝુંબેશ હેઠળ અનેક પગલાં ભર્યાં છે અને વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ આ દૃષ્ટિએ ઉપર આવે એ માટે ખાસ ભાર આપ્યો છે.

  • ગ્રાઉન્ડ વોટર ઈરિગેશન સ્કીમ, એટલે કે, હર ખેત તો પાની… આને માટે સરકાર રૂ. 2,600 કરોડ ખર્ચશે
  • ઉજ્જવલા યોજના હેઠળ 8 લાખ ગરીબ મહિલાઓને મફતમાં એલપીજી જોડાણ મળશે
  • આવતા નાણાકીય વર્ષમાં દેશભરમાં વધુ 2 કરોડ જાહેર શૌચાલયો બાંધવાની સરકારની યોજના
  • પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના અંતર્ગત 4 લાખ ગરીબ પરિવારોને મફત વીજળી જોડાણો પૂરા પાડવા રૂ. 16,000 કરોડના ખર્ચનો અંદાજ
કૃષિને મહત્ત્વ આપતા બજેટમાં આ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓ
તમામ રવી પાક માટે ટેકાનો ભાવ ઉત્પાદન ખર્ચના 150 ટકા રાખવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત નાણાપ્રધાન અરુણ જેટલીએ કરી છે. ખેડૂતોને ઉચિત ભાવ મળે એ માટે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સહકાર સાધશે.
સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી હાટડીઓને વિકસાવીને તેમને ગ્રામીણ કૃષિ બજારો તરીકે વિકસાવવા પર ભાર આપશે. તેમને મનરેગા યોજના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે. કૃષિ ક્ષેત્રને બજાર સાથે સાંકળવા માટે 2000 કરોડ રૂપિયાનું એગ્રિ માર્કેટ એન્ડ ઇન્ફ્રા ફંડ સ્થાપવામાં આવશે.
વાંસને ગ્રીન ગોલ્ડ કહેવાય છે. આ ક્ષેત્ર 8 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. વાંસનો ઉપયોગ કરીને અનેક વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.
જેટલીએ ભાષણમાં કહ્યું હતું કે કૃષિ પ્રવૃત્તિ એક ઉદ્યમ છે. ખેડૂતોનું ઉત્પાદન વધે અને તેમને વધારે ભાવ મળે માટે સરકાર તેમને મદદ કરવા માગે છે.
  • ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન તથા
  • સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરતા ઉદ્યોગને સપોર્ટ
નાણાપ્રધાને જણાવ્યા મુજબ ભારતમાં ઓર્ગેનિક કૃષિનું મહત્વ વધી રહ્યું છે. દેશમાં ઓર્ગેનિક ખેતી ઉપરાંત ઔષધીય અને સુગંધી દ્રવ્યો આપનારી વનસ્પતિના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. સુગંધી દ્રવ્યોનું ઉત્પાદન કરનારા સંગઠિત ક્ષેત્ર માટે 200 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
  • સરકારે આ વર્ષના બજેટમાં કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, આરોગ્યસેવાઓ તથા વરિષ્ઠ નાગરિકોની સેવા તથા રાજ્યોની સાથે મળીને શિક્ષણમાં સુધારણા લાવવા પર ખાસ ભાર મૂક્યો છે.
  • કુદરતી રીસોર્સીસની ફાળવણી પારદર્શી રીતે થવા માંડી છે
જેટલીના ભાષણનો હિન્દીમાં અનુવાદઃ વળી ગયો દાટ
આ વખતે બજેટનું ભાષણ અરુણ જેટલી અંગ્રેજીમાં આપી રહ્યા છે, પરંતુ તેની સાથે થઈ રહેલા હિન્દી અનુવાદને લીધે આખા ભાષણની ખીચડી થઈ ગઈ છે અને લોકોને શું સાંભળવું એ સમજાતું નથી. જેટલી અંગ્રેજીમાં બોલી રહે ત્યાર બાદ તેનું હિન્દી કરવામાં આવી રહ્યું છે, પરંતુ વચ્ચે વચ્ચે હિન્દી આવી જતાં લોકોની લિંક તૂટી જાય છે. બજેટમાં બીજી કોઈ પ્રતિકૂળ જોગવાઈ નહીં હોય તોય આ રીતે ભાષણ રજૂ કરીને લોકોને બજેટના ભાષણમાં જ તકલીફ આપવામાં આવી છે. બજેટ ચાલી રહ્યું છે કે અનુવાદની પ્રેક્ટિસ થઈ રહી છે એ સમજાતું નથી.
  • માળખાકીય સુધારાઓથી અર્થતંત્ર લક્ષ્યોને સિદ્ધ કરી શકશે
  • ભારત ટૂંક સમયમાં જ વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
  • જેટલીના અંગ્રેજીમાં બજેટ ભાષણને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવામાં આવી રહ્યું છે
  • જેટલી દ્વારા સંસદમાં બજેટ ભાષણનો આરંભ
  • બજેટ પૂર્વે શેરબજારમાં તેજી. સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળ્યો. નિફ્ટી 11,100ની નિકટ.
  • અરૂણ જેટલી હિન્દીમાં બજેટ ભાષણ કરશે
  • વડા પ્રધાન મોદીના પ્રધાનમંડળે કેન્દ્રીય બજેટને મંજૂરી આપી.
  • બજેટના દસ્તાવેજો સંસદભવનમાં લાવી દેવામાં આવ્યા છે.

  • અરૂણ જેટલી 11 વાગ્યે સંસદમાં બજેટ ભાષણ શરૂ કરશે.
  • વડા પ્રધાન મોદી સંસદભવન પહોંચ્યા.
  • નાણાં પ્રધાન અરૂણ જેટલીનું સંસદભવનમાં આગમન.
  • નાણાં પ્રધાન અરૂણ જેટલી એ પહેલાં રાષ્ટ્રપતિ કોવિંદને જઈને મળ્યા હતા.