બેંક શેરોની રાહબરી હેઠળ શેરબજાર નવા લાઈફ ટાઈમ હાઈના મથાળે

અમદાવાદ- શેરબજારમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે પણ બેંક શેરોની રાહબરી હેઠળ ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી છે. ઈન્ટ્રા-ડેમાં નિફટીએ 10,887.50 અને સેન્સેક્સે 35,507.36ની લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. જો કે માર્કેટ હાઈલી ઓવરબોટ હોવાથી તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું, પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળેથી થોડા પાછા પડ્યા હતા. પણ આગામી પહેલી ફેબ્રુઆરીએ બજેટ આર્થિક સુધારાલક્ષી આવવાના આશાવાદ પાછળ બ્લુચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો ચાલુ રહ્યો હતો. પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી માર્કેટ હાઈલી વોલેટાઈલ રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 178.47(0.51 ટકા) ઉછળી 35,260.29 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી 28.45(0.26 ટકા) વધી 10,817.00 બંધ રહ્યા હતા.સરકાર દ્વારા વધારાના ખર્ચ પર કાપ મુકવાની જાહેરાત અને સરકારે વધારાની લોનની જરૂરિયાતને ઘટાડીને 20,000 કરોડ રૂપિયા કરી નાંખી છે, આ પહેલા સરકારે 50,000 કરોડ રૂપિયાની જરૂરિયાત મુકી હતી. જે પછી શેરબજારમાં તેજીનો ટોન જોવાયો છે. ગ્લોબલ ગ્રોથમાં વધારો થવાનો આશાવાદ અને કોર્પોરેટ અર્નિંગમાં પણ સુધારો થશે, જેથી 2018નું વર્ષ ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક જશે, જે ધારણાએ એફઆઈઆઈએ ભારતીય શેરબજાર પર નવો વિશ્વાસ મુક્યો છે.

  • બેંક ઓફ અમેરિકાના પરિણામો ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે, જે સમાચાર પાછળ અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજીની આગેકૂચ રહી હતી. ડાઉ જોન્સ પહેલી વાર 26,000ની સપાટી કૂદાવી ઉપર બંધ થયો હતો.
  • અમેરિકા પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. અને ભારતીય શેરબજારને સપોર્ટ મળ્યો હતો.
  • 25 વર્ષમાં ભારતનું સ્ટોક માર્કેટ દુનિયાનું બેસ્ટ પર્ફોમિંગ ઈક્વિટી નંબર વન સ્ટોક માર્કેટ બન્યું છે.
  • ભારતીય શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન 1 લાખ કરોડ રૂપિયાના સ્તરને વટાવી ગયું છે.
  • બુધવારે એફઆઈઆઈએ ભારતીય સ્ટોક માર્કેટમાં કુલ રૂપિયા 625 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂપિયા 168 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું.
  • આજે તેજી બજારમાં પણ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, ફાર્મા, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી, જેથી આ તમામ સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ હતા.
  • બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મેટલ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી આ સેકટરના ઈન્ડેક્સ પ્લસ બંધ હતા.
  • રોકડાના શેરોમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી મોટા કામકાજ જોવાયા હતા. મીડકેપ ઈન્ડેક્સ માત્ર 4.60 પ્લસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 72.74 પ્લસ બંધ હતો.