ટ્રેડ વૉરના ભયે શેરબજારમાં વેચવાલી, સેન્સેક્સ 351 પોઈન્ટ તૂટ્યો

0
1372

અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી પછી ગાબડું પડ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરના વધતાં જતા ભયને પગલે તેમજ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 351.56(1.05 ટકા) ગબડી 33,019.07 બંધ થયો હતો. તેમજ નિફટી 116.60(1.14 ટકા) તૂટી 10,128.40 બંધ થયો હતો.સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા. પણ ચીને અમેરિકાની વિરુધ્ધમાં જવાબી કાર્યવાહીના ભાગરૂપે 106 પ્રોડક્ટ પર વધુ 25 ટકા ડ્યૂટી લાદી છે, જે સમાચારને પગલે હોંગકોંગ સ્ટોક માર્કેટનો હેંગસેંગ ઈન્ડેક્સ 661 પોઈન્ટ ગબડી પડ્યો હતો. બપોરે યુરોપના સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. જેને પગલે ભારતીય શેરોમાં પણ જોરદાર વેચવાલી ફરી વળી હતી. અમેરિકાનો ડાઉ જોન્સ ફયુચર પણ 285 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. આમ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ વેચવાલી ફરી વળી હતી.

  • આરબીઆઈની ધીરાણ નીતિની બેઠક 4 અને 5 એપ્રિલે મળશે, જે અગાઉ સ્ટોક માર્કેટમાં સાવેચતીનો માહોલ હતો.
  • આરબીઆઈ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી કરે, તેમ મનાઈ રહ્યું છે.
  • ઈન્ડસ્ટ્રીઝની માંગ છે કે ફુગાવાનો દર ઘટ્યો છે, તો વ્યાજ દર પણ ઘટવા જોઈએ.
  • આજે ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં જાણકાર વર્તુળોની નવી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી.
  • ઓટો સેકટર છોડીને બાકીના તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 150.04 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 178.70 માઈનસ બંધ હતો.