ટ્રેડ વોરઃ ભારતને અપાયેલાં વ્યાપાર લાભો રદ કરવાની ટ્રમ્પની ધમકી

વોશિંગ્ટન – યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી આપી છે કે ભારત અને તૂર્કી માટે અમેરિકાએ જાહેર કરેલા મહત્ત્વનાં વ્યાપાર લાભો રદ કરવા પોતે વિચારે છે.

ટ્રમ્પે આ વાત અમેરિકી સંસદમાં એક નોટિફિકેસન પત્રમાં કરી છે.

આ નોટિફિકેશન અનુસાર, પ્રમુખ પોતાની સત્તા હેઠળ કોઈ પગલું ભરે એ પહેલાંનું 60-દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે.

ટ્વ્યારપાર સવલત હેઠળ ભારતને આશરે 2000 જેટલા ઉત્પાદનોમાં ડ્યૂટી-ફ્રી અમેરિકા પ્રવેશનો લાભ મળે છે. આ ઉત્પાદનોમાં ઓટોમોબાઈલને લગતા છૂટાભાગો, ઈન્ડસ્ટ્રિયલ વાલ્વ્સ, ટેક્સટાઈલ મટિરીયલનો સમાવેશ થાય ચે.

ટ્રમ્પ એમની આ નોટિસને પાછી ખેંચી શકે છે જો અમેરિકાના વહીવટીતંત્રની ચિંતાઓને ભારત અને તૂર્કી સંતોષજનક રીતે દૂર કરી આપે તો.

અમેરિકા સરકારે આપેલા આ લાભોથી ભારતને સૌથી વધુ લાભ થયો છે. 2017માં ભારતે અમેરિકામાં 5.7 અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. એને પગલે ભારતને ડ્યૂટી-ફ્રી સ્ટેટસ મળ્યું હતું. તૂર્કીએ 1.7 અબજ ડોલરના ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ કરી હતી.

ટ્રમ્પ સરકારનું કહેવું છે કે કેટલીક અમેરિકન કંપનીઓએ એવી રજૂઆત કરી છે કે ભારતમાં ડેરી તથા મેડિકલ સાધનોની નિકાસને કરવેરારહિત અવરોધોને કારણે માઠી અસર પહોંચી છે. જો ભારત અમેરિકાની આ ચિંતાને દૂર કરી દે તો એને ડ્યૂટી-ફ્રી સ્ટેટસ અંતર્ગત અપાતા વ્યાપાર લાભો રદ કરવાના મુદ્દે તે એપ્રિલમાં ફેરવિચારણા કરશે.

અમેરિકી કંપનીઓને ભારતની બજારોમાં વાજબી રીતે સરળતાપૂર્વકનો માર્ગ કરી આપવા વિશે ભારત સરકારે હજી અમેરિકાને ખાતરી આપી નથી એવું ટ્રમ્પ સરકારનું કહેવું છે.

ટ્રમ્પનો આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મુશ્કેલ સમયમાં આવી પડ્યો છે, કારણ કે એક બાજુ ભારતમાં લોકસભાની ચૂંટણી આવનારા સપ્તાહોમાં જ યોજવાનું નિર્ધારિત છે અને બીજી બાજુ સરહદ પર હિંસક અથડામણોને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.