સેન્સેક્સમાં 409 પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના 2 લાખ કરોડથી વધુ ધોવાયા

અમદાવાદ- શેરબજારમાં આજે ગાબડુ પડ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર શરૂ થઈ ગઈ છે, જે સમાચાર પાછળ અમેરિકન સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો, તેની પાછળ એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. ભારતીય શેરબજારમાં પણ ભારે ગભરાટભરી વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 409.73(1.24 ટકા) ગગડી 32,596.54 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 116.70(1.15 ટકા) તૂટી 9998.05 બંધ થયો હતો.અમેરિકાએ ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટીની ચોરી રોકવા માટે ડયૂટી લગાવી છે. અમેરિકાએ 60 અબજ ડૉલરની ચીનની આયાત પર ડયૂટી લગાવી દીધી છે. આગામી 15 દિવસમાં તેની યાદી પણ જાહેર કરશે. ટ્રમ્પ આગળના દિવસમાં કોઈપણ પગલા ભરી શકે છે. આમ ટ્રેડ વૉર શરૂ થયાના ભય પાછળ ગત મોડીરાતે ડાઉ જોન્સ 724 પોઈન્ટ અને નેસ્ડેક 178 પોઈન્ટ તૂટ્યા હતા, તેની પાછળ એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. જે પછી ભારતીય શેરોની જાતે-જાતમાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. દેશ અને દુનિયાના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો. તમામ સેકટરના શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા. વળી સપ્તાહનો છેલ્લો દિવસ હોવાથી નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો ન હતો.

  • આજના ગાબડાથી રોકાણકારોના 2 લાખ કરોડથી વધુ ડુબ્યા હતા. બીએસઈના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 2.31 લાખ કરોડનું ધોવાણ થયું છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની 1300થી વધુ ઉત્પાદિત વસ્તુઓ પર 60 અબજ ડૉલરની આયાત ડયૂટી લગાવી છે. જેની યાદી આગામી દિવસોમાં જાહેર થશે.
  • ચીને અમેરિકાને પણ વળતી ધમકી આપી છે. તેઓ ટ્રેડ વૉરથી ગભરાતા નથી. ચીને ટ્રમ્પના પગલા પછી 3 અબજ ડૉલરની પડતરવાળી અમેરિકન ચીજ-વસ્તુઓ પર ટેરિફ લગાવશે.
  • ટ્રેડ વૉરની ધમકીથી ભારતીય મેટલ સેકટરના સ્ટોકમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી અને મેટલ સેકટરના સ્ટોક 9 ટકાથી વધુ તૂટ્યા હતા.
  • નિફટી ઈન્ડેક્સ ઓકટોબર 2017 પછી પહેલી વાર 10,000ની નીચે ટ્રેડ થયો હતો. નિફટીએ જાન્યુઆરીમાં 11,171.55નો હાઈ બનાવ્યો હતો, ત્યાંથી નિફટી 10.83 ટકા તૂટ્યો છે.
  • ભારત ડાયનેમિક્સના નવા શેરનું 16 ટકા ડિસ્કાઉન્ટ સાથે આજે લિસ્ટીંગ થયું હતું, બીએસઈમાં ભારત ડાયનેમિક્સનો શેર 15.88 ટકા નીચે રૂ.360ના ભાવે લિસ્ટ થયો હતો. જે એનએસઈમાં 13.55 ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ.370માં ટ્રેડ થયો હતો.
  • નરમ બજારમાં આઈટી અને ટેકનોલોજી સેકટરના શેર સામાન્ય પ્લસ હતા, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 216.57નું ગાબડુ પડ્યું હતું.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 262.94 તૂટ્યો હતો.