LOC રૂટ પરના 10 શંકાશીલ વેપારીઓ વિરુદ્ધ તપાસ

શ્રીનગરઃ નાણાં મંત્રાલયે એલ.ઓ.સી. પરથી થતી વેપારી પ્રવૃત્તિઓના સંબંધમાં સાત વેપારીઓ સામે તપાસ આરંભી છે. ગયા મહિને જ આ વિસ્તારના ટોચના દસ વેપારીઓ વિશે વિગતો મગાવવામાં આવી હતી એ અગાઉ ગૃહમંત્રાલયે એમ કહીને આ રૂટ પરના તમામ વ્યવહારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે આ રૂટનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે.

હવે જ્યાં સુધી અહીંથી થતાં વ્યવહારો પર ચાંપતી દેખરેખ તથા ફૂલ-ટ્રક સ્કેનર ન ગોઠવાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રાખવાનો આદેશ છે. સામાન્ય રીતે આ રૂટ પરથી લાલ મરચું, કેરી, ડ્રાયફ્રૂટ્સ વગેરે જેવાં માલસામાનની લેવડદેવડ થાય છે, જેની સાથે આશરે 280 વેપારીઓ સંકળાયેલા છે અને આશરે 6900 કરોડ રૂપિયા જેટલો અહીંનો બિઝનેસ છે, પણ અમુક વેપારીઓ વિરુદ્ધ અહીંથી ડ્રગ્સ અને રોકડા સપ્લાય કરતા હોવાની વિગતો રાષ્ટ્રીય તપાસ એજન્સીને મળી હોવાથી એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

વેપારીઓ આ પગલાંથી દુઃખી હોય એ સ્વાભાવિક છે. જોકે આ રૂટ પર બન્ને દેશ વચ્ચેના તણાવભર્યા સંબધને લીધે ઘણીવાર પ્રતિબંધો લાગતા રહે છે. અત્યારે તપાસ એજન્સીની નજર હેઠળના મુખ્ય વેપારીઓમાં ઊરી અને પૂંચના વેપારીઓ પણ છે.