બેંક શેરોની રાહબરી હેઠળ વેચવાલીથી શેરબજારમાં નરમાઈ

0
1643

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. આરબીઆઈની ધીરાણ નીતિની સમીક્ષામાંથી વ્યાજ દરમાં વધારો થવાનો સંકેત મળી રહ્યો છે. આથી શેરોમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ જોવા મળ્યા હતા, અને શેરોના ભાવમાં બે તરફી વધઘટ પણ આવી હતી. સપ્તાહનો છેલ્લો દિવસ હોવાથી નવી લેવાલી અટકી હતી. અને તેજીવાળા ખેલાડીઓની ઊંચા મથાળે નફારૂપી વેચવાલી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 11.71(0.03 ટકા) ઘટી 34,415.58 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 1.25(0.01 ટકા) ઘટી 10,564.05 બંધ થયો હતો.ગત મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટ ઘટ્યું હતું. ડાઉ જોન્સ 83 પોઈન્ટ ઘટી 24,665 બંધ હતો, અને નેસ્ડેક 57 પોઈન્ટ ઘટી 7,238 બંધ થયો હતો. જેથી આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા, અને ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ખુલ્યા પછી વેચવાલી ફરી વળી હતી. તેમજ સપ્તાહનો છેલ્લો દિવસ હતો, આથી નવી લેવાલી માત્ર બ્લુચિપ સ્ટોકમાં જ હતી. આજે તેજીમંદીના નવા કારણોનો અભાવ હતો. જેથી વધઘટ પણ સંકડાઈ ગઈ હતી.

  • ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 625 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 448 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • ટીસીએસના ચોથા કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે, નફો 5.71 ટકા વધી રૂપિયા 6904 કરોડ થયો હતો. તેમજ કંપનીએ એક શેરે એક બોનસ શેર આપ્યો હતો. ટીસીએસના ધારણા કરતાં સારા પરિણામોને પગલે નવી લેવાલી આવી હતી, અને ટીસીએસના શેરનો ભાવ 4 ટકા કરતાં વધુ વધ્યો હતો.
  • એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ, યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા.
  • બેંકિંગ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી, આથી બેંક શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા.
  • આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં લેવાલી-વેચવાલી એમ બે તરફી કામકાજ રહ્યા હતા. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 74.61 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 3.59 પ્લસ બંધ હતો.