શેરબજારમાં આઠમાં દિવસે તેજીની આગેકૂચઃ સેન્સેક્સ વધુ 112 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં સતત આઠમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. એફઆઈઆઈ અને તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલીને પગલે શેરોના ભાવ વધુ વધ્યા હતા. જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.47 ટકા આવ્યો હતો, જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આજે બેંક, એફએમસીજી, ફાર્મા, ઓટો અને રિયલ્ટી સેકટરના શેરોમાં તેજી થઈ હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 112.78(0.33 ટકા) વધી 34,305.43 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 47.75(0.46 ટકા) વધી 10,528.35 બંધ થયો હતો.અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સાથે મળીને સીરિયા પર મિસાઈલો ફેંકી હતી. આમ જિઓ પોલિટિકલ ટેન્શન વધીને આવ્યું હોવાથી સવારે ભારતીય શેરોના ભાવ નીચા ખુલ્યા હતા. શરૂમાં માર્કેટમાં ગભરાટ હતો. એક તબક્કે સેન્સેક્સ 240થી વધુ પોઈન્ટ તૂટીને 33,899 પહોંચી ગયો હતો. અને નિફટી પણ 10,396ની નીચી સપાટી બતાવી હતી. જો કે ત્યાંથી તેજીવાળા ખેલાડીઓએ બ્લૂચિપ અને ઈન્ડેક્સ બેઈઝડ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી. અને માર્કેટ ઝડપથી રીકવર થયું હતું.

  • શુક્રવારે એફઆઈઆઈએ રૂપિયા 399 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 306 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • શેરબજારમાં આજે સતત આઠમી ટ્રેડિંગ સેશનમાં તેજીની આગેકૂચ રહી હતી.
  • સીરિયા મુદ્દે અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે ટેન્શન હોવા છતાં શેરબજારમાં તેજી થતાં માર્કેટનો વર્ગ આશ્ચર્ય વ્યક્ત કરતો હતો.
  • યુકો બેંકના સીએમડી પર આરોપ લાગ્યો છે, તેમણે આરોપીઓ સાથે મળીને બેંકને 621 કરોડનું કૌભાંડ આચર્યું છે. જે સમાચારથી યુકો બેંકના શેરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.
  • ઈન્ફોસીસના ચોથા કવાર્ટરના પરિણામો નિરાશાજનક આવ્યા હતા, પણ તે પરિણામો ધારણા મુજબ આવ્યા અને ગ્રોથની ગાયડન્સ નિરાશ કરનારી રહી છે. જેથી ઈન્ફોસીસના શેરમાં જોરદાર વેચવાલીથી ભાવ ઘટ્યો હતો.
  • એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા.
  • આજે તેજી બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, ટેકનોલોજી, મેટલ, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલી રહી હતી, અને આ સેકટરના ઈન્ડેક્સ માઈનસ બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં ઠીકઠીક લેવાલી રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 56.55 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 100.26 ઊંચકાયો હતો.