શેરબજારમાં છઠ્ઠા દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 160 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ- શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ઈન્ફોસીસના પરિણામો અગાઉ રૂપિયામાં નરમાઈ રહી અને તેને કારણે આઈટી શેરોમાં નવી લેવાલી નિકળી હતી. જેને માર્કેટમાં મજબૂતી વધુ આગળ વધી શકી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સે 34,100ની અતિમહત્વની સપાટી કૂદાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 160.69(0.47 ટકા) વધી 34,101.13 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 56.40(0.54 ટકા) વધી 10,458.65 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ અને આઈઆઈપી ડેટા અને સીપીઆઈ ડેટા આવે તે પહેલા શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી. સતત પાંચ દિવસની તેજીને કારણે તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ કર્યું હતું. પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. અને સ્થાનિક નાણા સંસ્થાઓની નવી લેવાલીની સાથે આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલીનો ટેકો આવતાં માર્કેટને સપોર્ટ મળ્યો હતો.

  • આવતીકાલે શુક્રવારે ઈન્ફોસીસના ચોથા કવાર્ટરના પરિણામો આવશે.
  • અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી વચ્ચે ડાઉ જોન્સ 219 પોઈન્ટ ઘટી 24,190 અને નેસ્ડેક 25 પોઈન્ટ ઘટી 7069 બંધ રહ્યો હતો.
  • ગ્લોબલ ટેન્શનનો માહોલ સર્જાયો છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો બાવ 68.95 ડૉલર થયો છે. જે 40 મહિનાની હાઈ પર પહોંચી ગયો છે. આથી આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં વેચવાલી વચ્ચે પીએસયુ અને ઓઈલ કંપનીઓના શેરોના ભાવ ઘટ્યા હતા.
  • એમઆરએફના શેરનો ભાવ આજે નવી હાઈ પર પહોંચ્યો હતો.
  • આરબીઆઈએ આઈડીબીઆઈ બેંકને 3 કરોડનો દંડ ફટકાર્યો છે.
  • ઉત્તર ભારતમાં એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે, ખેતીવાડીને ભારે નુકશાનના સમાચાર છે
  • ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું છે, ઉભા પાકને નુકશાનના સમાચાર છે.
  • રૂપિયાની નરમાઈ વચ્ચે આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી ભાવ ઊંચકાયા હતા.
  • બીએસઈ આઈટી ઈન્ડેક્સ 391 પોઈન્ટ અને ટેકનોલોજી ઈન્ડેક્સ 164 પોઈન્ટ પ્લસ હતા.
  • રોકડાના શેરોમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 20.91 માઈનસ હતો, અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 48.63 ઘટ્યો હતો.