GST સમસ્યાઓ ઉકેલના આરે, અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત

નવી દિલ્હીઃ જીએસટી દ્વારા શરૂઆતમાં પડેલી તકલીફો ધીમે ધીમે ઓછી થઈ રહી છે. મોંઘવારી નિયંત્રણમાં છે અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ સકારાત્મક છે. સૌથી મહત્વની વાત એ છે કે અર્થવ્યવસ્થા પણ પ્રગતિ અને મજબૂતાઈની દિશામાં છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 3.1 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે જ્યારે પહેલા બે મહિનામાં આ વૃદ્ધિ-0.5 ટકા અને -0.3 ટકા હતી. તો આ સાથે જ જીએસટી લાગુ થયા બાદ શરૂઆતના સમયમાં જે પરિસ્થિતિઓને સામનો કરવો પડ્યો તે હવે શમી ગઈ છે.

તો આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઉત્પાદનનો દર વધીને 4.3 ટકા થઈ ગયો છે જે છેલ્લાં કેટલાક મહિનાઓની તુલનામાં સારો છે. આઈઆઈપીમાં આ વૃદ્ધિ મુખ્યત્વે ખનન અને વીજળી ક્ષેત્રમાં જોરદાર વૃદ્ધિ અને કેપિટલ ગુડ્સના ઉત્પાદનની વૃદ્ધિના કારણે આવી છે. વિકાસદરમાં જે ઘટાડો નોંધાયો તેનું મુખ્ય કારણ નોટબંધીની અસર અને જીએસટીની તૈયારીઓને લઈને ઔદ્યોગિક ગતિવિધિઓમાં જે ઢીલાશ આવી તે હતું. તો વિકાસ દર ઘટ્યાં બાદ પણ રીઝર્વ બેંકે હમણાં જ પોતાની આર્થિક નીતિની સમીક્ષા કરતા સમયે રેપો રેટને છ ટકા પર જ યથાવત રાખ્યો છે.