આયુષ્માન ભારત યોજના માટે દેશભરમાં ખુલશે કોલ સેન્ટર, જાણો વધુ વિગતો

0
1558

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈંશ્યોરન્સ સ્કીમ આયુષ્માન ભારત માટે સરકાર દેશભરમાં કોલ સેન્ટર ખોલવા જઈ રહી છે. આ સપ્તાહે કોલ સેન્ટર નંબરને જાહેર કરી દેવામાં આવશે. 14555 નંબર પર ફોન કરીને આયુષ્માન ભારત સ્કીમ સંબંધિત કોઈપણ જાણકારીને પ્રાપ્ત કરી શકાશે. આગામી 25 સપ્ટેમ્બરથી આયુષ્માન ભારત સ્કીમને દેશભરમાં લોન્ચ કરી દેવામાં આવશે.

શરુઆતના સમયગાળામાં દેશના 6 ઝોનમાં કોલ સેન્ટર લગાવવામાં આવશે. આમાં યૂપી, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટ્રલ ઝોનનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ રાજ્ય પોતાની જરુરિયાત અનુસાર કોલ સેન્ટરનો વિસ્તાર કરી શકે છે. અત્યારે આ છ ઝોનના કોલ સેન્ટરમાં 200 કર્મચારીઓ 24 કલાક કામ કરશે. અને ત્યારબાદ તેમની સંખ્યા વધારવામાં પણ આવી શકે છે. કોલ સેન્ટરમાં ફોન કરીને લાભાર્થી પોતાની નજીકની હોસ્પીટલથી લઈને યોજના સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કોલ સેન્ટર ત્રણ નેશનલ હોલીડે ને બાદ કરતા તમામ દિવસ 24 કલાક કામ કરશે. આ સપ્તાહે જ કોલ સેન્ટર ખોલવાનું કામ શરુ થઈ જશે.

તો આ સીવાય અન્ય મહત્વની વાત કરીએ તો આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલા કોલ સેન્ટરમાં નોકરી કરવા માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનનું ક્વોલીફીકેશન જરુરી છે. કુલ 200 ભરતી કોલ સેન્ટર માટે અત્યારે કરવાની છે. જો કે બાદમાં કોલ સેન્ટરના કર્મચારીઓની સંખ્યા વધારીને 500 કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોલ સેન્ટરના કર્મચારીઓ પાસેથી ઈ-મેઈલ અને ઈ-ચેટના માધ્યમથી આયુષ્માન ભારત યોજનાની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

દેશના 10 લાખ એવા પરિવારો કે જેઓ ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે અથવા તો તાજેતરમાં જ ગરીબી રેખાની ઉપર આવ્યા છે તેમને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. આ અંતર્ગત સરકાર તેમના બીમાર પડવા પર ઈલાજ માટે 5 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરશે. યોજનાનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી. બીમારીના ઈલાજ માટે માત્ર ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે.