મુંબઈ શેરબજારની સ્થાપનાનાં 144 વર્ષની ઉજવણી: આશિષ ચૌહાણે કહ્યું, ‘દેશના સંપત્તિ સર્જનમાં બીએસઈનો મહત્ત્વનો ફાળો છે’

મુંબઈ – બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એટલે કે મુુંબઈ શેરબજારે તેની સ્થાપનાનાં 144 વર્ષ આજે પૂરાં કર્યાં છે. આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે દેશના સંપત્તિ સર્જનમાં બીએસઈનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875ની 9 જુલાઈએ કરવામાં આવી હતી.

આશિષકુમાર ચૌહાણે કહ્યું કે આ 144 વર્ષોમાં બીએસઈએ ભારત માટે સંપત્તિ સર્જનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક્સચેંજે ઈક્વિટી મારફત 2.2 ટ્રિલિયન યુએસ ડોલર જેટલી અને ડેટ સાધનો મારફત 450 બિલિયન ડોલર જેટલી વેલ્થ ઊભી કરી છે. ભારતની કુલ સંપત્તિની 30 ટકા સંપત્તિ બીએસઈ પર લિસ્ટેડ સિકયોરિટીઝ  સાધનોમાં પ્રદર્શિત થાય છે.

આશિષકુમારે વધુમાં જણાવ્યું હતું કે ભારતને બીએસઈ સંસ્થાએ શિસ્તબદ્ધ, પારદર્શક અને આધુનિક માર્કેટ આપ્યું છે. ઈન્વેસ્ટરોનાં હિતોની રક્ષામાં તેમજ કોર્પોરેટ ગવર્નન્સમાં પણ બીએસઈ અગ્રસર રહ્યું છે. આજે બીએસઈ 6 સેકન્ડના રિસ્પોન્સ ટાઈમ સાથે ફાસ્ટેસ્ટ એકસચેંજ છે તેમજ આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડ માટે વિશાળ મંચ પુરું પાડે છે.

બીએસઈ 4.13 કરોડ ઈન્વેસ્ટર એકાઉન્ટ્સ ધરાવે છે. માત્ર સટ્ટાકીય પ્રવૃતિ પર ધ્યાન આપવાને બદલે બીએસઈ સતત મૂડી સર્જન પર ધ્યાન આપવાનું ચાલુ રાખશે એવું ચૌહાણે આ પ્રસંગે ઉમેર્યુ હતું.

દક્ષિણ મુંબઈમાં દલાલ સ્ટ્રીટ ખાતે આવેલી મુંબઈ શેરબજાર એશિયા ખંડનું સૌથી જૂનું શેરબજાર છે. 25 શેરદલાલોએ પ્રત્યેકે એક રૂપિયો કાઢીને શેરબજારની કામગીરીની શરૂઆત કરી હતી. 1985માં સેન્સેક્સની શરૂઆત કરવામાં આવી હતી.