GSTના 28 ટકા સ્લેબની 80 ટકા વસ્તુઓ પર ટેક્સ ઘટશે

પટના- બિહારના ડેપ્યુટી સીએમ અને જીએસટી કાઉન્સીલના સભ્ય સુશીલ મોદીએ જીએસટીને લઈને રાહત અને આંનદ આપતું નિવેદન આપ્યું છે. સુશીલ મોદીએ જણાવ્યું છે કે જીએસટી અંતર્ગત ટોપ સ્લેબ એટલે કે 28 ટકા જેટલા ટેક્સ અંતર્ગત આવતી 80 ટકા વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવશે. સુશીલ મોદીના જણાવ્યા અનુસાર આ તમામ વસ્તુઓને 18 ટકા ટેક્સ અંતર્ગત લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીએસટીને લઈને વ્યાપારી વર્ગના લોકો હેરાન થઈ ગયા છે અને ખાસકરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ મુદ્દે ઘેરાયેલી નજરે પડે છે.

જીએસટીના 28 ટકા સ્લેબમાં કુલ 227 જેટલી વસ્તુઓ આવે છે. સુશીલ મોદીએ જણાવ્યું કે જીએસટી કાઉન્સીલની બેઠકમાં આમાંથી 80 ટકા જેટલી વસ્તુઓ પરથી ટેક્સ હટાવીને તેને 18 ટકા સુધી કરાશે. આના સિવાય જીએસટી ફિટમેન્ટ કાઉન્સીલે ઘણાબધા સામાનોને 18 ટકાથી લઈને 12 ટકા સુધીના સ્લેબમાં લાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારનો આ નિર્ણય દેશના વ્યાપારીઓ સહિત ગ્રાહકો માટે પણ મોટી ખુશ ખબરી લઈને આવી શકે છે. સુશીલ મોદીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 100 વધારે વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો છે.