સરકારે માન્યું બહુ સફળ નથી જીએસટી, કલેક્શન ઓછું થતાં લીધો કાર્યવાહીનો નિર્ણય

નવી દિલ્હીઃ જીએસટી અંતર્ગત વધી રહેલી ટેક્સ ચોરી પર અંકુશ લગાવવા માટે સરકાર લાલ આંખ કરશે. જીએસટી કલેક્શન ઓછું થવાના કારણે ચિંતિત સરકાર હવે આના કારણો શોધવાના કામમાં લાગી ગઈ છે. ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે પગલાં લેવા શરુ કર્યાં છે.

ટેક્સ ચોરી પકડવા માટે ઈંટેલિજન્સ અને ઈનવોઈસ મેચિંગનો સહારો લેવાઈ રહ્યો છે. અત્યારે જીએસટી ચોરીને લઈને સરકારનું પૂર્ણ ધ્યાન મલ્ટીબ્રાંડ રિટેલ, કાર ડીલર, સ્ટીલ, પોર્ટ સર્વિસીઝ, રિયલ એસ્ટેટ જેવા સેક્ટર પર છે. સરકાર દ્વારા કરાવવામાં આવેલા સ્ટડીમાં એ વાત સામે આવી છે કે સૌથી વધારે ટેક્સ ચોરી આ સેક્ટર્સમાં જ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી અંતર્ગત ટેક્સ ચોરી કરનારા લોકો પાસેથી માત્ર પેનલ્ટી જ નહી વસુલાય પરંતુ દોષિતો વિરૂદ્ધ કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે જીએસટી અંતર્ગત બે રીતે ટેક્સ ચોરી થઈ રહી છે. ઘણા લોકો ખોટા બિલ દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ લઈ રહ્યા છો તો કેટલાક લોકો વ્યાપારને ઓછો બતાવીને ચોરી કરી રહ્યા છે. આનો અર્થ એ થાય કે પ્રોડક્ટની ખરીદી અને વેચાણ બીલ વગર થઈ રહ્યા છે.

તો આ સાથે જ મોટાપાયે કેશમાં લેવડ-દેવડ થઈ રહી છે અને સાથે જ સોદામાં કાળાનાણાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિટેલ અને રિયલ એસ્ટેટમાં સોદા ઓછી કિંમત પર કરવામાં આવી રહ્યા છે એટલે કે આમાં પણ કાળાનાણાનો ઉપયોગ થઈ રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે તપાસ બાદ એવા લોકોની યાદી તૈયાર કરી છે કે જેમના પર ટેક્સ ચોરી કર્યાની આશંકા છે. અત્યાર સુધી દેશભરમાં આ મામલે ચાર જગ્યાએ છાપામારી કરવામાં આવી છે અને આશરે 500 કરોડ રૂપીયા જેટલી ટેક્સ ચોરી પણ પકડવામાં આવી છે.