જેટ એરવેઝમાં કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદવાની વાટાઘાટમાં છે ટાટા સન્સઃ અહેવાલ

મુંબઈ – દેશના બિઝનેસ ક્ષેત્રનું અગ્રગણ્ય ટાટા ગ્રુપ જેટ એરવેઝમાં પોતાનું વર્ચસ્વ બની રહે એટલો હિસ્સો ખરીદવા માટે વાટાઘાટ કરી રહ્યું હોવાનો એક અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે નરેશ ગોયલની માલિકીની એરલાઈન જેટ એરવેઝ હાલ આર્થિક ભીંસમાં છે.

અહેવાલ અનુસાર, ટાટા સન્સના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સૌરભ અગ્રવાલ અને જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ વચ્ચે આ અંગે વાટાઘાટ ચાલી રહી છે.

આ વાટાઘાટ અત્યંત ખાનગી રાખવામાં આવી છે.

જેટ એરવેઝ અને ટાટા સન્સ વચ્ચેની વાટાઘાટ હજી અમુક અઠવાડિયા સુધી ચાલે એવી ધારણા છે.

જેટ એરવેઝે સતત ત્રીજા ક્વાર્ટરમાં ખોટ નોંધાવી છે. એણે એમ પણ કહ્યું છે કે તે ઓછો નફો કરાવતા રૂટ પર પોતાની ફ્લાઈટ્સની સંખ્યા ઘટાડવા વિચારે છે અને વધુ આવક કરાવતા રૂટ પર ક્ષમતા વધારવા માગે છે.

જેટ ફ્યુઅલ પરના ઉંચા વેરા, ક્રુડ તેલના વધી રહેલા ભાવ, ડોલર સામે રૂપિયાના થયેલા ધોવાણ, અન્ય એરલાઈન્સ સાથે તીવ્ર સ્પર્ધા, ભાડાંયુદ્ધ વગેરેને કારણે જેટ એરવેઝનો નફો બંધ થઈને ખોટ શરૂ થઈ છે.