ખાધ અને રુપિયાના અવમૂલ્યન મુદ્દે હવે સળવળી સરકાર, બેઠકની કમાન સંભાળશે પ્રભુ

નવી દિલ્હી- વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુ ડોલર સામે સતત નબળો પડી રહેલો રુપિયો અને વધતી જતી વેપાર ખાધ મામલે આજે વિવિધ મંત્રાલયો સાથે બેઠક કરશે. આ બેઠકમાં રુપિયોને મજબૂત બનાવવા ઉપરાંત વસ્તુઓના વેપારમાં દેશમાં વધી રહેલી વેપાર ખાધને દૂર કરવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં આર્થિક બાબતોના મંત્રાલય, કોલસા મંત્રાલય, સ્ટીલ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠક આ સમયે ઘણી મહત્વ પૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે બુધવારે શરૂઆતના કારોબારમાં રૂપીયો ઘટીને પ્રથમ વખત 73 રુપિયા પ્રતિ ડોલરને પાર જતો રહ્યો  હતો.

સતત નબડા પડી રહેલા રુપિયાને કારણે દેશનો આયાત ખર્ચ વધી જશે અને વેપાર ખાધમાં નોંધપાત્ર વધારો થશે. ચાલુ વર્ષે જુલાઈ મહિના વેપાર ખાધ વધીને છેલ્લા 5 વર્ષના સૌથી ઉંચા સ્તર 18.02 અબજ ડોલર પર પહોંચી હતી. જોકે ઓગસ્ટમાં તેમાં ઘટાડો નોંધાતા 17.04 અબજ ડોલર રહી હતી.

ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશની નિકાસ 16.13 ટકા વધી હતી, તેની સામે આ સમયગાળા દરમિયાન આયાત 17.34 ટકા વધી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રુપિયામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.o