સેન્સેક્સ 252 પોઈન્ટ તૂટી 33,000ની નીચે, નિફટીમાં 3 મહિનાનો લૉ

અમદાવાદ– શેરબજારમાં સતત પાંચમી ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ગબડ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ મજબૂત ટોને ખુલ્યું હતું. પણ લોકસભામાં ટીડીપી મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે, જે સમાચાર પાછળ શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 252.88(0.76 ટકા) ગબડી 32,923.12 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 100.90(0.99 ટકા) તૂટી 10,094.25 બંધ થયો હતો.

મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવતાં શેરબજારમાં પણ ભારોભાર અવિશ્વાસનું વાતાવરણ હતું. રાજકીય કટોકટી વચ્ચે શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. જાણકારોના કહેવા પ્રમાણે તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ખેલાડીઓની જોરદાર વેચવાલી આવી હતી. પરિણામે શુક્રવારે સેન્સેક્સમાં 509 પોઈન્ટનું ગાબડુ પડ્યું હતું અને આજે સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે સેન્સેક્સમાં 252 પોઈન્ટનું ગાબડુ પડ્યું હતું. આજે તો સેન્સેક્સ 33,000ની નીચે બંધ રહ્યો હતો, અને નિફટી 3 મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. રાજકીય અસ્થિરતાના વાતાવરણમાં નવી લેવાલીનો તદન અભાવ હતો. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા અડધા કલાકમાં સવારે વેચી ગયેલાઓએ વેચાણો કાપ્યા હતા.

લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થતાં કાર્યવાહી કાલ પર સ્થગિત રહી છે. લોકસભામાં કાલે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થશે. એટલે કે સરકારનો ફેંસલો કાલે થશે. જેથી માર્કેટમાં સાવચેતીનો મુડ હતો.

  • સોમવારે માર્કેટ ગબડ્યું તેમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં બે લાખ કરોડનું ધોવાણ થયું છે.
  • નિફટીમાં 50 શેરમાંથી 41 શેરના ભાવ ઘટ્યા હતા.
  • બંધન બેંકનો આઈપીઓ છેલ્લા દિવસે 1.30 વાગ્યા સુધીમાં 1.66 ગણો ભરાઈ ગયો છે.
  • પીએસયુ બેંક સ્ટોકમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
  • આઈઆરબી ઈન્ફ્રાને રુપિયા 2043 કરોડનો રોડ પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો છે.
  • સંઘાર ટેકનોલોજીનો આઈપીઓ આજે ખુલ્યો છે. આ આઈપીઓમાં શેરની પ્રાઈઝબેન્ડ રુ.327-332ની છે અને શેરની લોટ સાઈઝ 45 શેરની છે.
  • શુક્રવારે એફઆઈઆઈએ રુ.150.46 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.770 કરોડની વેચવાલી કરી હતી.
  • અમેરિકામાં ફેડરલ રીઝર્વની મંગળવાર અને બુધવારે બેઠક મળનાર છે, જેમાં વ્યાજ દરમાં વધારો થાય તેવી શકયતાઓ છે. જેને કારણે ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ પણ ખરડાયેલું છે.
  • રશિયામાં પુતિનની જીત તેમજ રશિયા અને બ્રિટન વચ્ચેના સંબધોમાં વધુ ખટાશ આવી છે, આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે. આ બધા નેગેટિવ ફેકટર છે.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ગબડીને આવ્યા હતા.
  • આજે તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હતા.
  • રોકડાના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 256 પોઈન્ટ તૂટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 348 પોઈન્ટ ગબડ્યો હતો.
  • સૌથી વધુ ગગડેલા શેરઃ એચસીએલ ટેકનોલોજી(4.25 ટકા), ટાટા સ્ટીલ(4.21 ટકા), ભારતી એરટેલ(4.10 ટકા), આઈડિયા સેલ્યુલર(4.01 ટકા) અને ટેક મહિન્દ્રા(3.91 ટકા).
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ એનટીપીસી(1.30 ટકા), મારૂતિ સુઝુકી(1.12 ટકા), પાવર ગ્રીડ(1.01 ટકા), લાર્સન ટુબ્રો(0.81 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(0.79 ટકા).