ભારતીય શેરબજાર માટે કાળો દિવસ, પાંચ જ મિનીટમાં રોકાણકારોના કરોડો ડૂબ્યાં

મુંબઈ : આજે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારે કડાકો છવાયો હતો જેના કારણે સેનસેક્સમાં 1029 પોઈન્ટનો ભારે ઘટાડો થતા સેનસેક્સ સીધો જ 33,807 પર આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 306 પોઈન્ટનો ઘટાડો થતા નિફ્ટી 10,153 ઊપર આવી જતા રોકાણકારોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. શેરબજારમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. માત્ર પાંચ જ મિનિટમાં રોકાણકારોના રૂ. ચાર લાખ કરોડ ડૂબી ગયા હતા.

રૂપિયો પણ ડોલર સામે ૭૪.૪૭ની સૌથી નીચી સપાટીએ સરકી ગયો હતો. આજે સેન્સેક્સ ૬૯૭.૦૭ પોઇન્ટ એટલે કે ૨.૦૧ તૂટીને ૩૪,૦૬૩.૮૨ અને નિફ્ટી ૨૯૦.૩ પોઇન્ટ તૂટીને ૧૦,૧૯૬ની સપાટીએ ખૂલ્યો હતો, પરંતુ ટ્રેડ શરૂ થયાની થોડી મિનિટોમાં જ સેન્સેક્સ ૧,૦૦૦ પોઇન્ટથી વધુ ગગડ્યો હતો અને ૯.૨૨ કલાકે સેન્સેક્સ ૧,૦૦૧.૩૧ પોઇન્ટ એટલે કે ૨.૮૮ ટકા ગગડીને ૩૩,૭૫૯.૫૮ પર પહોંચી ગયો હતો. બીજી બાજુ નિફ્ટી પણ ૩૦૨ પોઈન્ટના એટલે કે ૨.૯ ટકાનો ઘટાડા સાથે ૧૦,૧૧૮ પર પહોંચી ગઇ હતી. ડેટા અનુસાર બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે પ્રારંભિક ટ્રેડમાં રૂ. ૧૩૪.૩૮ લાખ કરોડનું ધોવાઇ ગયું હતું.

પ્રારંભિક ટ્રેડમાં સેન્સેક્સના ૩૧માંથી ૩૦ શેરમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે માત્ર એક જ શેરમાં મજબૂતાઇ જોવાઇ હતી. નિફ્ટીમાં ૫૦માંથી ૪૬ શેર તૂટી ગયા હતા અને ચાર જ શેરમાં લેવાલી જોવાઇ હતી. એક્સિસ બેન્કનો શેર ૪.૯૧ ટકા, વેદાન્તા ૪.૧૫ ટકા, એસબીઆઇ ૪.૦૫ ટકા, ટાટા સ્ટીલ ૩.૬૩ ટકા, રિલાયન્સ ૩.૧૩ ટકા તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી પર ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં ૭.૯૪ ટકા, બજાજ ફાઇનાન્સ ૬.૮૨ ટકા, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ૫.૭૧ ટકા, એક્સિસ બેન્ક ૪.૯૦ ટકા અને આઇશર મોટરના શેરમાં ૪.૮૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.

વૈશ્વિક બજારો પણ મોટા પાયે તૂટ્યાં હતાં. અમેરિકાના ડાઉ જોન્સમાં આઠ મહિનાનો સૌથી મોટો એટલે કે ૮૩૨ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો. નાસ્ડેક પણ ૩૧૬ પોઇન્ટ તૂટ્યો હતો. એશિયાઇ બજારમાં એસજીએક્સ નિફ્ટી ૨૩૮ પોઇન્ટ, જાપાનનો નિક્કી ૮૧૮ પોઇન્ટ, હેંગસેંગ ૮૩૮ પોઇન્ટ તૂટ્યા હતા.