એટીએમ બંધ કરવાનો સરકારી બેન્કોનો કોઈ પ્લાન નથીઃ સંસદમાં જાણકારી અપાઈ

નવી દિલ્હી – દેશમાં પોતાના કુલ ઓટોમેટેડ ટેલર મશીન્સ (એટીએમ)માંથી 50 ટકા બંધ કરવાના અહેવાલો છે, પણ જાહેર ક્ષેત્રની બેન્કોનો એવો કોઈ પ્લાન નથી.

આ જાણકારી નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન શિવપ્રતાપ શુક્લાએ ગઈ કાલે લોકસભામાં આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને કોન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી દ્વારા એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે કામગીરીઓ પૂરી કરી શકાય એમ ન હોવાથી 2019ના માર્ચ સુધીમાં દેશભરમાં આશરે 50 ટકા એટીએમ મશીન્સ બંધ થઈ જશે.

એ અહેવાલોને પગલે શુક્લાએ ગઈ કાલે લોકસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે 2019ના માર્ચ સુધીમાં 50 ટકા એટીએમ બંધ કરવાનો જાહેર ક્ષેત્રની બેન્કોનો તો કોઈ પ્લાન નથી.

શુક્લાએ કહ્યું કે, શેડ્યૂલ્ડ કમર્શિયલ બેન્ક્સ, સ્મોલ ફાઈનાન્સ બેન્ક્સ, પેમેન્ટ બેન્ક્સ અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ દ્વારા જણાવ્યા મુજબ, દેશમાં 30 સપ્ટેંબર, 2018 તારીખ સુધીમાં 2.21 લાખ એટીએમ મૂકવામાં આવેલા છે.