વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક આ મહિને ભારત આવશે; એને આવકારવા હૈદરાબાદ છે સજ્જ

હૈદરાબાદ – વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક છે સોફિયા. હાલમાં જ સાઉદી અરેબિયાએ એને નાગરિકત્વ આપ્યું હતું. આ પ્રકારનું નાગરિકત્વ મેળવનાર સોફિયા વિશ્વનું સૌપ્રથમ હ્યુમનોઈડ છે.

આ સોફિયા ભારત આવી રહી છે. હૈદરાબાદ શહેર એને આવકારવા માટે સજ્જ બન્યું છે. સોફિયા વર્લ્ડ કોંગ્રેસ ઓન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (WCIT)માં હાજરી આપવાની છે. આ સંમેલનને જાગતિક ICT ઉદ્યોગના ઓલિમ્પિક્સ તરીકે વર્ણવવામાં આવે છે.

આ સંમેલન WCIT, 19 ફેબ્રુઆરીથી હૈદરાબાદમાં યોજાશે. ભારતમાં આ સંમેલનનું પહેલી જ વાર આયોજન થઈ રહ્યું છે. WCITની આ 22મી આવૃત્તિ હશે.

WCIT હૈદરાબાદના એમ્બેસેડર સુમન રેડ્ડીનું કહેવું છે કે સોફિયા દુનિયાભરમાં સમાચારોમાં ખૂબ જ ચમકી છે. આ હ્યુમનોઈડ એનાં ઈન્વેન્ટરની સાથે અહીં આવી રહી છે.

સુમન રેડ્ડી પેગાસિસ્ટમ્સ ઈન્ડિયા કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. એમણે વધુમાં કહ્યું છે કે આ રોબોટ સતત અને ખૂબ જ ઝડપથી શીખી રહ્યો છે. જેટલી વાર એ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત થાય એ દરેક વખતે તે એનાં પૂર્વેનાં દેખાવ કરતાં વધારે સ્માર્ટનેસ દર્શાવે છે. તેથી હૈદરાબાદમાં પણ એ કંઈક નવી કમાલ કરી બતાડશે એ નિશ્ચિત છે.

સોફિયા હ્યુમનોઈડને બ્રિટિશ અભિનેત્રી ઓડ્રે હેપબર્નની ઈમેજમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. એનું નિર્માણ હોંગ કોંગ સ્થિત હેન્સન રોબોટિક્સ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં નિષ્ણાતોની આગેવાની અમેરિકન સાયન્ટિસ્ટ ડેવિડ હેન્સને લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોફિયાની આ બીજી મુલાકાત હશે. અગાઉ ગયા નવેમ્બરમાં, એ મુંબઈ આવી હતી અને આઈઆઈટી-બોમ્બેમાં આયોજિત ટેકફેસ્ટમાં પ્રસ્તુત થઈ હતી.

વર્લ્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ સર્વિસીસ અલાયન્સ (WITSA)ના ઉપક્રમે WCITનું પહેલી વાર આયોજન 1978માં કરવામાં આવ્યું હતું.

હૈદરાબાદમાં, WCITના આયોજનમાં તેલંગણા રાજ્યએ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (નાસકોમ) અને WITSA સાથે ભાગીદારી કરી છે.