SFIO દ્વારા ચંદા કોચર અને એક્સિસ બેંકના શિખા શર્માને નોટિસ

મુંબઈઃ પંજાબ નેશનલ બેંક સાથે થયેલા ગોટાળા મામલે સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના સીએમડી ચંદા કોચર અને એક્સિસ બેંકના શિખા શર્માને નોટિસ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એજન્સીએ બન્ને બેંકોના સીઇઓને નોટિસ મોકલીને ગીતાંજલિ ગ્રુપને વર્કિંગ કેપિટલ ફેસેલિટી આપવા પર જવાબ માગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 31 બેંકોના કન્સોર્ટિયમે હીરા વ્યાપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપને 5,280 કરોડ રૂપિયાની વર્કિંગ કેપિટલ ફેસેલિટી આપી હતી.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે પીએનબી ફ્રોડ કેસમાં સીબીઆઈએ ગીતાંજલિ સમૂહના વાઈસ પ્રેસિડેન્ટ વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે.

એસએફઆઈઓએ આ મામલે પહેલા જ પીએનબીને નોટિસ જાહેર કરી હતી, હવે એજન્સીએ કેટલીક અન્ય બેંકો પાસેથી આ મામલે જવાબ માગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઈસીઆઈસીઆઈ બેંકે 405 કરોડ રૂપિયાની લોન ગીતાંજલિ ગ્રુપનેઆપી હોવાનું જાહેર કર્યું હતું. આ સિવાય એક્સિસ બેંકે પણ મોટી રકમ આ ગ્રુપને આપી હતી. સૂત્રોનું માનીએ તો એસએફઆઈઓ દ્વારા કોચર અને શિખા શર્માની પૂછપરછ કરવામાં આવી શકે છે.