વેચાણો કપાતાં શેરબજારના સેન્સેક્સમાં 303 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહ્યી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરોની જાતે-જાતમાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. તેજીવાળા ઓપરેટરોએ બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી કાઢવાની તક ઝડપી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 303.60(0.89 ટકા) ઉછળી 34,445.75 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 91.55(0.87 ટકા) ઉછળી 10,582.60 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી અને સપ્તાહનો પ્રથમ દિવસ હતો, તેમજ માર્ચ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો બીજો દિવસ હતો, જેથી તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી ચાલુ રાખી હતી. શુક્રવારે આવેલ ઉછાળો આજે વધુ આગળ વધ્યો હતો. આજે મંદીવાળા ઓપરેટરોએ મોટાપાયે વેચાણો કાપ્યા હતા. જાણકારોના કહેવા પ્રમાણે માર્કેટ બાઉન્સ થયું છે, બ્લુચિપ શેરોમાં નવી લેવાલી હતી. જો કે પીએનબી ફ્રોડ સાથે સંકળાયેલ કંપનીઓ અને બેંકોના શેરના ભાવ ઘટ્યા હતા. પીએનબી મહાકૌભાંડ પછી શેરબજારમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ થઈ જતાં છેલ્લી બે ટ્રેડિંગ સેશનથી વેચાણ કાપણીથી માર્કેટ યુ ટર્ન થયું છે.

  • શુક્રવારે એફઆઈઆઈએ રુ.486 કરોડના શેર વેચ્યા હતા., જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.1514 કરોડની કુલ ચોખ્ખી ખરીદી કરી હતી.
  • ડૉલર સામે રુપિયો 8 પૈસા ઊંચો 64.65 ખુલ્યો હતો.
  • પીએનબી પછી ઓરિયેન્ટ બેંક ઓફ કોમર્સનું રુ.500 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે સમાચાર પછી ઓબીસીના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને શેરનો ભાવ રુ.10.60(10.02 ટકા) તૂટી રુ.95.15 બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં તે તૂટીને રુ.92.50 થઈ ગયો હતો.
  • પીએનબીના શેરનો ભાવ રૂ.1.50(1.32 ટકા) ગગડી રુ.111.90 બંધ થયો હતો.
  • ગીતાજંલી જેમ્સના શેરનો ભાવ રુ.1.20(4.84 ટકા) તૂટી રુ.23.60 બંધ રહ્યો હતો.
  • એસ્ટર ડીએમ હેલ્થકેરનું આજે નિરાશાજનક લિસ્ટીંગ થયું હતું. એસ્ટર ડીએમ હેલ્થકેરના શેર બીએસઈમાં 4.15 ટકા ડિસ્કાઉન્ટ સાથે રુ.182.10 ખુલ્યો હતો., જ્યારે એનએસઈમાં 3.68 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રુ.183 ખુલ્યો હતો, તેની ઈસ્યૂ પ્રાઈઝ રુ.190 હતી.
  • સ્ટરલાઈટ ટેકનોલોજીને રુ.3500 કરોડનો ઈન્ડિયન નેવી માટે કોમ્યુનિકેશન નેટવર્કની ડિઝાઈન અને મેનેજ કરવા માટેનો નવો ઓર્ડર મળ્યો છે. આ સમાચારથી સ્ટરલાઈટ ટેકનોલોજીના શેરમાં નવી લેવાલીથી શેરના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • એચજી ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીનો આઈપીઓ આજે ખુલ્યો છે. આ ઈસ્યૂ 28 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે, કંપની આઈપીઓ થકી રુ.462 કરોડ એકઠા કરશે. કંપનીએ એન્કર ઈન્વેસ્ટર પાસેથી રુ.138 કરોડ મેળવી લીધા છે.
  • સીબીઆઈએ સિંભાવલી શુગર્સ કંપની વિરુધ્ધ 97 કરોડની લોન નહી ચુકવવાનો આરોપ નોંધાવ્યો છે. જે સમાચારથી સિંભાવલી શુગર્સના શેરનો ભાવ 10 ટકા તૂટ્યો હતો.
  • આજે તેજી માર્કેટમાં પણ એફએમસીજી, ફાર્મા, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલી રહી હતી, અને આ સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ હતા.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 122.84 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 157.90 ઊંચકાયો હતો.