સેન્સેકસમાં 500 અને નિફટીમાં 150થી વધુ અંકોનો ઉછાળો

અમદાવાદ: યુએસ અને એશિયાઈ દેશો તરફથી શાનદાર સંકેતોને પગલે આજે ભારતીય બેંચમાર્ક ઈન્ડાયસિસમાં પણ જોરદાર તેજીનો ચમકારો જોવા મળ્યો છે. ચોતરફી તેજીને પગલે સેન્સેકસમાં 500 અને નિફટીમાં 150થી વધુ અંકોનો ઉછાળો જોવા મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે બધા જ હેવીવેઈટ શેરોમાં આજે તેજી છે. સેન્સેકસના 31માંથી કોલ ઈન્ડિયાને છોડીને બધા જ 30 શેરો પોઝીટીવ ઝોનમાં કામ કરે છે.

OFS બાદ કોલ ઈન્ડિયાનો શેર પા ટકો ઘટ્યો છે. 10.10 કલાકે એસ એન્ડ પી બીએસઈ સૂચકઆંક 470 પોઈન્ટના ઉછાળા સાથે 34,900ના લેવલે કારોબાર કરી રહ્યો છે. ઈન્ટ્રાડે હાઈની નજીક ટ્રેડ કરી રહેલ સેન્સેકસનો લક્ષ્યાંક હવે 35,000ની સપાટી પરત મેળવીને ટકાવી રાખવાનો હશે. ઓનલાઈન-ઓફલાઈનમાં દિવાળીને પગલે દરેક પ્રોડકટ્સ પર ભારે છૂટ મળી રહી છે. આજ રીતે ઓક્ટોબરના હેવી સેલઓફ બાદ હવે બજારમાં ખરીદારી પરત ફરતા નિફટી50 ઈન્ડેકસ પણ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં 151 અંકોના ચાંદલા સાથે 10,531ના સ્તરે કામકાજ કરી રહ્યો છે.

જોકે દિવાળીના આ સેલનો ફાયદો સૌથી વધુ મિડકેપ-સ્મોલકેપમાં મળી રહ્યો હતો અને આ તકને રોકાણકારોએ ઝડપી લીધી છે. ગઈકાલની 1-1%ની તેજી બાદ આજે પણ બંને બ્રોડર માર્કેટના ઈન્ડેકસ દોઢ-દોઢ ટકા ઉછળ્યાં છે. એડવાન્સ-ડિકલાઈન રેશિયો પણ 3:1ના પોઝીટીવ ઝોનમાં છે. 1514 શેરમાં તેજી છે, તો 473 શેર ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે 86 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળી રહ્યો. નિફટી સમાવિષ્ટ 50 શેરમાંથી 46 પોઝીટીવ ઝોનમાં છે, જ્યારે 4 ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે. ખાનગી બેંકોની ખરીદારીને પગલે બેંક નિફટીમાં 325 અંકોની તેજી છે, તો સરકારી બેંકોનું પીએસયુ બેંક ઈન્ડેકસ પણ 1.90% ઉછળ્યું છે.