વેચાણો કપાતાં BSE સેન્સેક્સમાં 469 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મજબૂતી રહી હતી. ગત સપ્તાહે શુક્રવારે આવેલ ઘટાડાના આજે બ્રેક વાગી હતી, બ્લુચિપ શેરોમાં નવેસરથી લેવાલી આવી હતી. અને બપોર પછી મંદીવાળા ખેલાડીઓની મોટાપાયે વેચાણ કાપણી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 469.87(1.44 ટકા) ઉછળી 33,066.41 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 132.60(1.33 ટકા) ઉછળી 10,130.65 બંધ થયો હતો.આ સપ્તાહના ગુરુવારે માર્ચ ઓપ્શન ફ્યુચર કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, જે અગાઉ ઉભા ઓળિયા સુલટાવારૂપી ટ્રેડિંગ વિશેષ રહ્યા હતા. શોર્ટ સેલવાળાઓએ વેચાણો કાપ્યા હતા. જેથી ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલી આવી હતી, જો કે સામે તેજીવાળા ખેલાડીઓની લેવાલી આવી હતી, પણ ઊંચા મથાળે તેઓ વેચી ગયા હતા. જો કે હાલ બજારમાં તેજીના કારણોનો અભાવ છે. આજે ગ્લોબલ માર્કેટના ન્યૂઝ પોઝિટિવ હતા. તેની સાથે એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા, અને બપોરે યુરોપના સ્ટોક માર્કેટ પણ વધ્યા હતા. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું. શુક્રવારે સેન્સેક્સ 409 પોઈન્ટ ગબડ્યો હતો, આજે સેન્સેક્સ 469 પોઈન્ટ ઉછળ્યો હતો. એટલે કે માર્કેટ સરભર થઈ ગયું હતું. અને નિફટી 10,000ના અતિમહત્વના લેવલની ઉપર બંધ રહ્યો હતો.

  • હેવીવેઈટ એસબીઆઈ, એચડીએફસી, એચયુએલ, એચડીએફસી બેંક, મારુતિ, રીલાયન્સમાં લેવાલીથી મજબૂતી આવી હતી.
  • બેંક શેરોમાં જોરદાર લેવાલી આવી હતી. બેંક શેરોની આગેવાની હેઠળ જ સેન્સેક્સ અને નિફટી ઝડપી ઉછળ્યા હતા.
  • નિફટી ઈન્ડેક્સમાં સામેલ તમામ 12 બેંકિંગ સેકટરના શેરોમાં તેજી થઈ હતી. બીએસઈ બેન્કેક્સ 608 પોઈન્ટ ઉછળ્યો હતો અને બેંક નિફટી 573 પોઈન્ટ ઉછળ્યો હતો.
  • કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, પીએસયુ અને ફાર્મા સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી આગળ વધી હતી.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 186.62 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 122.19 વધ્યો હતો.
  • એફઆઈઆઈએ માર્ચ મહિનામાં અત્યાર સુધી રૂપિયા 8400 કરોડનું નવું રોકાણ કર્યું છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે, અને ભારતીય કંપનીઓની આવક અને નફામાં વૃદ્ધિ નોંધાઈ છે, જેથી એફઆઈઆઈ નેટ બાયર થઈ છે.
  • અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરને કારણે દેશ અને દુનિયાના સ્ટોક માર્કેટમાં ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું છે.
  • આજે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 1.52 લાખ કરોડ વધ્યું છે.
  • આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો આઈપીઓ આજે છેલ્લા દિવસે બપોરના 2.00 વાગ્યા સુધી 70 ટકા ભરાયો હતો.
  • લેમન ટ્રી હોટલ્સનો આઈપીઓ આજે ખુલ્યો છે, અને તે 28 માર્ચ સુધી ખુલ્લો રહેશે. કંપની આઈપીઓ થકી રૂપિયા 1038 કરોડની મૂડી એક્ત્રિત કરશે.
  • શુક્રવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 1628 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 935 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યં હતું.