કંઇ ફરિયાદ છે તો બોલો, SBI ગ્રાહકો સાથે રાષ્ટ્રવ્યાપી બેઠક કરશે…

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 28 મેના રોજ ગ્રાહકોની ફરિયાદોને સમજવા અને સેવાઓને વધારવા માટે એક રાષ્ટ્રવ્યાપી ગ્રાહક બેઠકનું આયોજન કરશે. આ પહેલ અંતર્ગત, એસબીઆઈ પોતાના 17 સ્થાનિક કાર્યાલયોના માધ્યમથી 500થી વધારે સ્થાનો પર 1 લાખથી વધારે ગ્રાહકો સાથે જોડાવા ઈચ્છે છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોમાં બેંક પ્રત્યે ભરોસો વિકસિત કરવાનો છે. આ બેઠકમાં બેંકના વરિષ્ઠ અધિકારીઓ શામેલ થશે.

બેઠક દરમિયાન, ગ્રાહક પોતાની ચિંતાઓ પર ચર્ચા કરવા અને ઉત્પાદનો અને સેવાઓ પર પ્રતિક્રિયા અને ભલામણો આપવા માટે બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈ ગ્રાહકોને વૈકલ્પિક બેંકિંગ ચેનલો અને યોનો એસબીઆઈ, એક ઓમની-ચેનલ ડિજિટલ બેંકિંગ અને લાઈફ સ્ટાઈલ પ્લેટફોર્મના ઉપયોગ મામલે પણ શિક્ષિત કરશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ક્વાલિટી સુધાર અને લોનના ખર્ચમાં ઘટાડાથી ભારતીય સ્ટેટ બેંકે 2018-19 ના ચોથા ત્રિમાસીક ગાળામાં 838 કરોડ રુપિયાનો શુદ્ધ લાભ નોંધ્યો છે. આની તુલનામાં બેંકને 2017-18ના જાન્યુઆરી-માર્ચના ત્રીમાસીક ગાળામાં 7,718 કરોડ રુપિયાનો નેટ લોસ થયો હતો.

માર્ચમાં પૂર્ણ નાણાકિય વર્ષ 2018-19માં બેંકનો નેટ પ્રોફિટ 862 કરોડ રુપિયા રહ્યો. 2017-18માં તેને 6547 કરોડ રુપિયાનો નેટ લોસ થયો હતો. બેંકના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે બેંકે તમામ માનકો પર સારુ પ્રદર્શન કર્યું છે. સ્થિતીઓમાં બદલાવ આવ્યો છે. લોન એસેટની ક્વોલિટીમાં સુધારો દેખાઈ રહ્યો છે. ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંન્નેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે લોન કોસ્ટ પણ એક ટકા સુધારીને 2.66 ટકા થઈ ગઈ હતી. આનાથી એક વર્ષ પહેલા આ 3.62 ટકા હતી.