SBI, PNB અને ICICI બેંકે વ્યાજદરોમાં કર્યો વધારો, નવા દર લાગુ

નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંકની મોનિટરી રીવ્યૂ પોલિસી પહેલાં જ દેશની ત્રણ મોટી બેંકો ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે પોતાનો વ્યાજદર વધારી દીધો છે. ત્રણેય બેંકોએ પોતાના બેંચમાર્ક લેંડિંગ રેટ્સ અથવા એમસીએલઆરને એક ટકા સુધી વધારી દીધો છે. ત્યારે લોન લેનારા ગ્રાહકોને હવે વધારે વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજના નવા દરો લાગુ થઈ ગયાં છે.

ભારતીય સ્ટેટ બેંકે ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટેના પોતાના વ્યાજ દરોને 10 બેઝીસ પોઈન્ટ્સ સુધી વધારી દીધાં છે. એસબીઆઈની વેબસાઈટ અનુસાર તેનો એમસીએલઆર અથવા લેંડિંગ રેટ 7.8 ટકાની જગ્યાએ 7.9 ટકા થઈ ગયો છે.  ત્રણ વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 8.35ની જગ્યાએ 8.45 ટકા થઈ ગયો છે. સરકારી ક્ષેત્રની અન્ય એક દિગ્ગજ બેંક પીએનબીએ પોતાની ત્રણ અને ચાર વર્ષના સમયગાળા માટેની લોન માટે એમસીએલઆરને ક્રમશ: 8.55 ટકા અને 8.7 ટકા કરી દિધો છે.

દેશની અન્ય મોટી બેંક આઈસીઆઈસીઆઈએ પણ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે.  ત્રણ વર્ષની લોન માટે પણ બેંકો પોતાના એસીએલઆરમાં 10 બેઝિઝ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. જો કે લોન માત્ર ત્રણ મહિના માટેની હશે તો પછી વ્યાજદરમાં કોઈ બદલાવ કરવામાં નહી આવે.