‘રૂપિયો તૂટી રહ્યો નથી, તૂટી ગયો છે’: રાહુલ ગાંધી

નવી દિલ્હી – યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 73ના રેકોર્ડ નિમ્ન સ્તરે ઉતરી ગયો છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાન મોદીની સરકારને ટોણો માર્યો છે.

રાહુલે લખ્યું છે કે, રૂપિયો તૂટી રહ્યો નથી, પણ તૂટી ગયો છે.

રાહુલે અગાઉ રૂપિયાના અવમૂલ્યન તથા ઈંધણના વધી રહેલા ભાવ અંગે પણ વડા પ્રધાન મોદીની ઝાટકણી કાઢી હતી. એમણે એવી ટિપ્પણી કરી છે કે, ’56-ઈંચની છાતી ક્યાં સુધી સાઈલન્ટ મોડ’ પર રહેશે?’

રૂપિયા સામે ડોલર આજે વધુ ઉછળ્યો છે અને પ્રતિ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 73.77ની નીચલી સપાટીએ ઉતરી ગયું છે.

રાહુલે હિન્દીમાં પણ ટ્વીટ કર્યું હતું કે ઈંધણ અને રાંધણગેસના ભાવ ભડકે બળે છે અને જનતામાં હાહાકાર મચી ગયો છે ત્યારે વડા પ્રધાન ક્યાં સુધી સાઈલન્ટ મોડ પર રહેશે?

ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ વધવાનું ચાલુ રહેતા અને વર્તમાન નાણાંકીય ખાધ અંગેની ચિંતા ઘેરી બનતાં રૂપિયાનું ધોવાણ ચાલુ રહ્યું છે.