1 જુલાઈથી RTGS, NEFT થશે ચાર્જિસ-મુક્ત; બેન્કોએ લાભ ગ્રાહકોને પાસ કરવો જ પડશે

મુંબઈ – RTGS અને NEFT રૂટ મારફત ફંડ ટ્રાન્સફર કરવા પર લગાડવામાં આવતા ચાર્જિસને રદ કરવાનો ભારતીય રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે અને હવે એણે આજે દેશની તમામ બેન્કોને આદેશ આપ્યો છે કે 1 જુલાઈથી આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવો.

ડિજિટલ સોદાઓને ઉત્તેજન મળે એ માટે રિઝર્વ બેન્કે આ નિર્ણય લીધો છે.

ચાર્જિસ રદ કરવાના નિર્ણયનો લાભ ગ્રાહકોને પાસ કરવાનો કેન્દ્રીય બેન્કે તમામ બેન્કોને આદેશ આપ્યો છે.

RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ. આ રૂટ દ્વારા મોટી રકમના ફંડ ટ્રાન્સફર કરી શકાય છે જ્યારે NEFT છે – નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર, જેનો ઉપયોગ રૂ. 2 લાખ સુધીની રકમનું ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

દેશની સૌથી મોટી બેન્ક – સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા NEFT મારફત કરાતા સોદાઓ માટે એક થી લઈને પાંચ રૂપિયા સુધીનો ચાર્જ વસુલ કરે છે અને RTGS રૂટ મારફત કરાતા સોદાઓ પર રૂ. પાંચથી લઈને રૂ. 50 સુધીનો ચાર્જ વસુલ કરે છે.

ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે RTGS અને NEFT સિસ્ટમો મારફત કરાતા સોદાઓ માટે તે બેન્કોને મિનિમમ ચાર્જિસ લગાડે છે. એના બદલામાં, બેન્કો એ ચાર્જિસ એમના ગ્રાહકો પાસેથી વસૂલ કરતી હોય છે.