RIL 3,000 કરોડના નવા રોકાણ સાથે અહીં વિકસાવશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ભૂવનેશ્વરઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂ.3,000 કરોડનું નવું રોકાણ કરશે, એમ તેના ચેરમેન મૂકેશ અંબાણીએ સોમવારે જાહેરાત કરી હતી. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં સૌથી મોટા રોકાણકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે અને અત્યાર સુધીમાં રૂ.6,000 કરોડનું રોકાણ કર્યું છે, એમ પણ આ જાહેરાત સાથે તેમણે જણાવ્યું હતું.મૂકેશ અબાણીએ વધુંમાં જણાવ્યું કે ઓરિસ્સામાં વધુ રૂ.3,000 કરોડનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છીએ. અમારી રોકાણની વિચારધારાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, વિકાસની આગેકૂચમાં દરેકનું સશક્તિકરણ, એમ અંબાણીએ મેઇક ઇન ઓડિશા – કોનક્લેવ 2018માં કહ્યું હતું. રીલાયન્સનું મોટાભાગનું રોકાણ ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે હશે તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

અંબાણીએ રીલાયન્સ જિઓ માત્ર વધુ એક વ્યવસાય નથી, ભારતને અને ઓરિસ્સામાં પરિવર્તન લાવવાનું મિશન છે.અમે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 30,000 જેટલા લોકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ કર્યું છે અને તેને નિભાવી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું. પીએમ મોદીને ટાંકતાં જણાવ્યું હતું કે વડાપ્રધાનનું પ્રેરણાદાયી વિઝન ડિજિટલ ઇન્ડિયા વૈશ્વિક સ્તરે ભારતને ડિજિટલ ઇકોનોમીમાં અગ્રગણ્ય બનાવવાનું છે. આજે, સમગ્ર વિશ્વમાં ભારત સૌથી ઝડપથી ડિજિટલ બની રહેલી ઇકોનોમી છે, એમ અંબાણીએ નોંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જિયોએ આશરે બે વર્ષ પહેલાં કામગીરી શરૂ કરી ત્યારથી તે ભારતના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનમાં અગ્રણી ભૂમિકા નિભાવે છે.

રાજ્યની બિઝનેસ સમિટનું ઉદઘાટન કરતાં રવિવારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઉદ્યોગપતિઓને રાજ્યમાં રહેલી અસીમ તકોનો લાભ લેવા જણાવ્યું હતું કારણ કે રાજ્ય પૂર્વના ઉત્પાદન મથક બનવા તરફ ઝડપથી ઊભરી રહ્યું છે.