ત્રણ ડઝન બેંકો આપશે લોન, RIL વિદેશમાંથી $1.85 અબજ ભેગાં કરશે

મુંબઈ: રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ચાલુ વર્ષે વિદેશમાંથી લગભગ 1.85 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના છે. કંપની લોન દ્વારા આ રકમ મેળવશે અને તે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ ભારતીય કંપની દ્વારા એકત્ર કરાયેલું સૌથી વધુ ભંડોળ હશે. લગભગ ત્રણ ડઝન બેન્ક રીલાયન્સને આ લોન આપશે. જેમાં મોટા ભાગની એશિયન બેંકો છે. પ્રાપ્ત વિગતો અનુસાર લોનની મુદત પાંચ વર્ષથી થોડી વધુ હશે. જાપાન, ચીન, તાઇવાનની બેન્કો સહિત ઘણાં પરંપરાગત ધીરાણકારો સમગ્ર યોજનાને આખરી ઓપ આપી રહ્યાં છે. પગલાંથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપની ભંડોળનો ઉપયોગ રીફાઇનાન્સિંગને બદલે બિઝનેસ પ્રવૃત્તિના ફન્ડિંગ માટે કરવાની યોજના ધરાવે છે.”

લોનનો વ્યાજદર અમેરિકન ડોલર સાથે લિંક્ડ ત્રણ મહિનાના LIBOR થી 1.25-1.40 ટકા વધુ રહેશે. LIBOR હાલ 2.386 ટકાના સ્તરે છે. અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, કદાચ પહેલી વખત એશિયન બેન્કોનું આટલું મોટું કોન્સોર્ટિયમ રિલાયન્સ માટે વિદેશી ભંડોળ મેળવવા કામ કરી રહ્યું છે.પ્રક્રિયામાં સામેલ કેટલીક ઇન્વેસ્ટમેન્ટ બેન્કોમાં બેન્ક ઓફ ચાઇના, સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશન (SMBC), ડેવલપમેન્ટ બેન્ક ઓફ જાપાન, DBS, HSBC, જે પી મોર્ગન, બાર્કલેઝ, ફર્સ્ટ અબુ ધાબી બેન્કનો સમાવેશ થાય છે.

જે.પી.મોર્ગને 14 જૂનના અહેવાલમાં જણાવ્યું હતું કે, “ઊંચા વેલ્યુએશન અને કોર બિઝનેસ માટે નબળા માહોલ છતાં અમે ‘ન્યુટ્રલ’ રેટિંગ જાળવ્યું છે. કન્ઝ્યુમર બિઝનેસમાં વ્યૂહાત્મક રોકાણકારને હિસ્સાના વેચાણની શક્યતા શેરને ટેકો આપી શકે.” મીડિયાના અહેવાલો મુજબ રીલાયન્સ કોર રિફાઇનિંગ અથવા જિઓનો હિસ્સો વેચવા સક્રિય છે.

ઉલ્લેખનીય છે કે, રીલાયન્સ સાઉદી અરામ્કોને રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસનો 25 ટકા હિસ્સો વેચવા સક્રિય હોવાના અહેવાલને કંપનીએ એપ્રિલમાં નકારી કાઢ્યો હતો. રીલાયન્સના લઘુમતી હિસ્સાના વેચાણમાંથી 10-15 અબજ ડોલર મળવાનો અંદાજ છે. જેના આધારે રીલાયન્સના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનું મૂલ્ય લગભગ 55-60 અબજ ડોલર થાય છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમમાં રીલાયન્સ 20,000 કરોડનું રોકાણ કરશે.