એરટેલ વિરૂદ્ધ જિઓએ હાઈકોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી

0
1671

નવી દિલ્હીઃ રીલાયન્સ જિઓ ઈન્ફોકોમે ભારતી એરટેલ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી છે. રીલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે જોડાયેલા વિજ્ઞાપનો મામલે ભારતીની કેવિએટ યાચિકા અપર્યાપ્ત છે. કોર્ટ આ મામલે 27 એપ્રિલના રોજ સુનાવણી કરશે.

મુકેશ અંબાણીની જિઓ કંપનીએ સુનીલ મિત્તલના નિયંત્રણવાળી ભારતી એરટેલ વિરૂદ્ધ આ મહિનાની શરૂઆતમાં યાચિકા દાખલ કરી હતી. તેમની દલીલ છે કે એરટેલના કેમેપેઇનથી એવું લાગી રહ્યું હતું કે સબ્સ્ક્રાઈબર આઈપીએલ ક્રિકેટ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં કરી શકે છે અને તેમાં એ નથી જણાવવામાં આવ્યું કે તેમને ડેટા ચાર્જીસ ચૂકવવા પડશે. કોર્ટે આ મામલે એરટેલને નિર્દેશ આપ્યા હતા કે તેઓ પોતાના કેમ્પેઇનમાં કેટલાક બદલાવ કરે.

જિઓ દ્વારા સીનિયર વકીલ અભિષેક મનુ સંઘવીએ કોર્ટને જણાવ્યું કે ડિસ્ક્લેમર્સ વાંચવાલાયક નથી, યોગ્ય રીતે સંભળાઈ રહ્યાં નથી અથવા તો કોઈ ડિસ્ક્લેમર જ નથી. તેમણે કોર્ટને જણાવ્યું કે આ મામલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ કારણ કે આ કેમ્પેઇનનો સમય 51 દિવસનો જ છે. ક્રિકેટ ટૂર્નામેંટ 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને 27 મેના રોજ પૂર્ણ થશે.