રિલાયન્સ ઈન્શ્યૂરન્સ IPO માટે ‘સેબી’ને કદાચ નવી અરજી કરશે

મુંબઈ – અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ જનરલ ઈન્શ્યૂરન્સ તેના શેર ભરણા માટે રેગ્યૂલેટર સંસ્થા ‘સેબી’ (સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને નવેસરથી અરજી કરે એવી ધારણા છે, કારણ કે IPO માટે રેગ્યૂલેટરી મંજૂરીની મુદત આ મહિને પૂરી થાય છે.

મરચંટ બેન્કિંગના સૂત્રોના જણાવ્યા મુજબ, આઈપીઓ માટે ઈન્વેસ્ટરોમાં ઓછી દિલચસ્પી તથા મૂડીબજારની પ્રવાહી પરિસ્થિતિને કારણે રિલાયન્સ ઈન્શ્યૂરન્સ પ્રાયમરી માર્કેટનો લાભ લેવામાં નિષ્ફળ ગઈ છે અને એને આઈપીઓ માટેનો પ્લાન મુલતવી રાખવાની ફરજ પડી છે.

કોઈ પણ આઈપીઓ માટે ‘સેબી’ સંસ્થાની મંજૂરી એક વર્ષ માટે માન્ય રહેતી હોય છે. રિલાયન્સ જનરલ ઈન્શ્યૂરન્સ કંપનીને અપાયેલી મંજૂરીની મુદત 29 નવેમ્બરે પૂરી થાય છે.

મરચંટ બેન્કિંગ સૂત્રોના જણાવ્યા મુજબ, રિલાયન્સ કંપની તેનો આઈપીઓ બહાર પાડવા માટે ઉત્સૂક છે અને ટૂંક સમયમાં જ ‘સેબી’માં નવા પ્રોસ્પેક્ટસનો ડ્રાફ્ટ રજૂ કરશે. માર્કેટની પરિસ્થિતિને આધારે કંપનીના આઈપીઓની તારીખ નક્કી કરાશે.

રિલાયન્સની કંપનીએ ગયા વર્ષના ઓક્ટોબરમાં આઈપીએ માટે અરજી કરી હતી અને તે જ વર્ષના નવેમ્બરમાં એને ‘સેબી’ તરફથી મંજૂરી પણ આપી દેવામાં આવી હતી.

રિલાયન્સ જનરલ ઈન્શ્યૂરન્સ 1.67 કરોડ શેર ઈસ્યૂ કરવા ધારે છે.