ઈન્ડિયન ઓઈલની બાદશાહત તોડી રેવન્યૂ મામલે સૌથી મોટી કંપની બની RIL

નવી દિલ્હીઃ મૂકેશ અંબાણીની માલિકીવાળી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક મોટી ઉપ્લબ્ધિ પ્રાપ્ત કરી છે. નાણાકીય વર્ષ 2018-19માં ઈન્ડિયન ઓઈલને પાછળ છોડીને આરઆઈએલ રેવન્યૂ મામલે ભારતની સૌથી મોટી કંપની બની ગઈ છે. આરઆઈએલે 5.67 લાખ કરોડ રુપિયાની રેવન્યૂ નોંધાવીને ઈન્ડિયન ઓઈલ એટલે કે આઈઓસીની 11 વર્ષની બાદશાહતને ખતમ કરી છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન આરઆઈએલની રેવન્યૂ 44.8 ટકાના વધારા સાથે 5.67 લાખ કરોડ રુપિયાના સ્તર પર પહોંચી ગયું, તો આઈઓસીની રેવન્યૂ 28.03 ટકા વધીને 5.28 લાખ કરોડ રુપિયાના સ્તર પર પહોંચી ગઈ છે. જો દૈનિક સરેરાશ કાઢીએ તો નાણાકીય વર્ષ દરમિયાન આરઆઈએલે રોજ 1553 કરોડ રુપિયા અને આઈઓસીએ લગભગ 1446 કરોડ રુપિયાની રેવન્યૂ પ્રાપ્ત કરી હતી. આ પ્રકારે આરઆઈએલની તુલનામાં આઈઓસીની રેવન્યૂ આખા વર્ષમાં આશરે 38,986 કરોડ રુપિયા જેટલી ઓછી રહી.

આ ઉપ્લબ્ધિ સાથે આરઆઈએલ રેવન્યૂ, નફો અને માર્કેટ કેપ ત્રણેય માનકો પર દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. મજબૂત રિફાઈનિંગ માર્જિન અને રિટેલ બિઝનેસ પર જોર આપવાથી આરઆઈએલે નાણાકીય વર્ષ 2010 અને નાણાકીય વર્ષ 2019 વચ્ચે 14.1 ટકા સીએજીઆર ગ્રોથ નોંધાવ્યો હતો.

આનાથી વિપરીત આઈઓસીની રેવન્યૂ આ સમયગાળા દરમિયાન માત્ર 6.3 ટકા દરથી વધી હતી.