રીઝર્વ બેન્ક 10 રૂપિયાની નવી ડિઝાઈનવાળી કરન્સી નોટ ચલણમાં મૂકશે

નવી દિલ્હી – ભારતીય રીઝર્વ બેન્ક ટૂંક સમયમાં નવી ડિઝાઈનવાળી 10 રૂપિયાના મૂલ્યની નોટ બહાર પાડવાની છે. એનો રંગ ચોકલેટ બ્રાઉન હશે અને એમાં ઓડિશાનાં કોણાર્ક શહેરનાં પ્રખ્યાત સૂર્ય મંદિરનું ચિત્ર હશે.

મહાત્મા ગાંધી સિરીઝની આ નવી નોટની ડિઝાઈનને સરકારે ગયા અઠવાડિયે મંજૂરી આપી દીધી છે.

10 રૂપિયાની ચલણી નોટની ડિઝાઈનમાં છેલ્લે 2005માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આમ, હવે 12 વર્ષ પછી એની ડિઝાઈન ચેન્જ કરવામાં આવી છે.

નવી નોટમાં કદાચ નંબર પેટર્ન પણ હશે. રીઝર્વ બેન્કે એક અબજ જેટલી નવી 10ની નોટ છાપી લીધી છે, એવું સૂત્રોનું કહેવું છે.

દેશની વિવિધ ચલણી નોટોની નકલ કરીને વ્યવહારમાં ઘૂસાડવાનાં ભૂતકાળમાં અનેક પ્રયાસો થયા હોવાથી અને એને કારણે દેશના અર્થતંત્રને નુકસાન થયું હોવાથી સરકાર તમામ નોટની ડિઝાઈન બદલી રહી છે. તે ઉપરાંત ઓછા રોકડ વ્યવહારવાળા અર્થતંત્ર માટે પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે.

2016ના નવેમ્બરમાં નોટબંધી નિર્ણય બાદ સરકારે 2000ના મૂલ્યની નવી નોટ બહાર પાડી હતી તથા 500ના મૂલ્યની નોટની ડિઝાઈન બદલી હતી. ગયા વર્ષે સરકારે પહેલી જ વાર 200 રૂપિયાના મૂલ્યવાળી કરન્સી નોટ પણ વ્યવહારમાં મૂકી હતી.

લોકસભામાં અપાયેલી જાણકારી મુજબ, રીઝર્વ બેન્કે રૂ. 500ના મૂલ્યની 16.96 અબજ નોટ છાપી હતી જ્યારે 2000ના મૂલ્યની 3.6 અબજ નોટ છાપી હતી. આ બંનેની નોટોનું કુલ મૂલ્ય 2017ની 8 ડિસેમ્બરેો રૂ. 15.79 ટ્રિલિયન હતું.