RBIએ વ્યાજ દરમાં ઘટાડો ન કર્યો, રેપો રેટ 6 ટકા યથાવત

નવી દિલ્હી– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાત કરી છે. જેમાં વ્યાજ દરમાં કોઈ ઘટાડો કર્યો નથી. હવે સસ્તા વ્યાજ દર માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે. રીઝર્વ બેંકે રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા યથાવત રાખ્યો છે.મોનેટરી પોલીસીના સભ્યોએ વ્યાજ દરમાં કોઈ પણ ફેરફાર કરવાના પક્ષમાં ન હતા, જો કે એમપીસીના એક સભ્યએ વ્યાજ દરમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરવો જોઈએ તેવી ભલામણ કરી હતી. રીઝર્વ બેંકે જાહેર કરી ધીરાણ નીતિમાં જણાવ્યું છે કે મોંઘવારી દર 4 ટકાના દાયરામાં રાખવા અને ગ્રોથને સપોર્ટ કરવાનું લક્ષ્ રાખ્યું છે. આથી વ્યાજ દરને યથાવત રાખ્યા છે. ધીરાણ નીતિમાં કહેવાયું છે કે ઓકટોબરમાં મોંઘવારી દર 7 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા બે મહિનાથી ફૂડ પ્રાઈઝમાં ભારે વધઘટ જોવાઈ છે. સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ઘટી છે, પણ ઓકટોબરમાં મોંઘવારી દર વધીને આવ્યો છે. શાકભાજી અને ફળોના ભાવ વધ્યા છે. એલપીજી, કેરોસીન અને વીજળીના ભાવ વધ્યા હોવાથી મોંઘવારી વધી છે. આરબીઆએ બીજા કવાર્ટરમાં મોંઘવારી દર 4.3થી 4.6 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2017-18માં જીવીએ ગ્રોથનું અનુમાન 6.7 ટકા યથાવત રાખ્યું છે. જીવીએ અનુમાન પર ધીરાણ નીતિમાં કહેવાયું છે કે બીજા કવાર્ટરમાં ગ્રોથ અનુમાનથી ઓછો રહ્યો છે. ક્રૂડના ભાવ વધીને આવતાં કંપનીઓના માર્જિન અને જીવીએ પર નેગેટિવ અસર પડી છે. પરંતુ બીજા કવાર્ટરમાં પોઝિટિવ ગતિવિધી જોવા મળી રહી છે. જો કે હાલ ક્રેડિટ ગ્રોથમાં તેજી આવી છે. પીએસયુ બેંકોના રીકેપિટલાઈઝેશનથી ક્રેડિટ ગ્રોથમાં સુધારો આવી શકે છે.

આરબીઆઈએ સીઆરઆર 4 ટકા અને એસએલઆર 19.5 ટકા યથાવત રાખ્યા છે.