સેન્ડબોક્સ ગાઈડલાઈન: પેમેન્ટ બેંકોના પ્રમુખોને મળશે શક્તિકાંત દાસ

નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ ચાલુ સપ્તાહે દેશની જુદીજુદી પેમેન્ટ બેંકોના પ્રમુખો સાથે મુલાકાત કરશે. પેમેન્ટ બેંકોની મુશ્કેલીઓ અને તેમની સમસ્યાઓને સમજવા માટે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. દાસે સોમવારે કહ્યું કે, પેમેન્ટ બેંકોના પ્રમુખો સાથેની મુલાકાતમાં તેમને પડી રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓને સમજવાની કોશિશ કરવામાં આવશે.

શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે, દેશમાં ફાયનાન્શિયલ ટેક્નોલોજીને પોત્સાહન આપવાના હેતુથી રિઝર્વ બેંકની દેખરેખમાં નાની કંપનીઓને રેગ્યુલેટરી સેન્ડબોક્સની સુવિધા આપવાને લઈને આગામી બે મહિનામાં દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવશે.

સેન્ડબોક્સ એક એવું માધ્યમ છે, જે કોઈ પણ નવી ટેકનિક કે પ્રણાલીને અમલમાં લાવતા પહેલા પ્રયોગ કરવા અને સમજવાની સુવિધા આપે છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 7 પેમેન્ટ બેંક પરિચાલન શરુ કરી ચૂકી છે. ભારતીય રીઝર્વ બેંકે દેશમાં બેંકિંગ સેવાઓને દરેક ઘર સુધી પહોંચાડવા માટે પેમેન્ટ બેંકોને બિઝનેસ કરવાની મંજૂરી આપી હતી.

 

દાસની આ મુલાકાત એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક 2થી4 એપ્રિલે મળશે. નવા નાણાંકીય વર્ષમાં મોનેટરી પોલિસી કમિટીની કુલ 6 બેઠકો મળશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર એમપીસીની બીજી બેઠક 3થી 6 જૂન, ત્રીજી બેઠક 5થી 7 ઓગસ્ટ, ચોથી બેઠક 1થી 4 ઓક્ટોબર, પાંચમી બેઠક 3થી 5 ડિસેમ્બર અને છઠ્ઠી બેઠક, 4થી6 ફેબ્રુઆરી 2020ના રોજ મળશે. આ કમિટીમાં ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષમાં કેન્દ્રીય બેંકના બે પ્રતિનિધિઓ અને ત્રણ બહારના સભ્યો હોય છે.