રિઝર્વેશન ચાર્ટ, ખાલી સીટોની વિગત ઓનલાઈન દર્શાવવાનું રેલવેએ શરૂ કર્યું

મુંબઈ – ભારતીય રેલવેે હવે એરલાઈન્સની જેવી જ વ્યવસ્થા શરૂ કરી છે. એણે રિઝર્વ્ડ ચાર્ટ્સ ઓનલાઈન દર્શાવવાનું શરૂ કર્યું છે. આને લીધે રેલવેપ્રવાસીઓ કોઈ ચોક્કસ ટ્રેન માટે બુકિંગ કરાવતી વખતે ખાલી સીટ્સનું સ્ટેટસ જોઈ શકશે.

વેબસાઈટ પર યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ ટ્રેનનાં ડબ્બાઓ અને બર્થ-વાઈઝ વ્યવસ્થાની સ્થિતિની ગ્રાફિકલ વિગત રજૂ કરશે.

રિઝર્વેશન ચાર્ટ્સ હવે ઈન્ટરનેટ પર મૂકાશે જેથી જાહેર જનતા એને જોઈ શકશે. એને લીધે ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પ્રવાસીઓને ટ્રેનમાં ઉપલબ્ધ ખાલી સીટની જાણકારી મળશે.

રેલવેના સમગ્ર નેટવર્ક પર તમામ ટ્રેનો પર આ સિસ્ટમ ઉપલબ્ધ થઈ છે.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલનું કહેવું છે કે આનાથી સમગ્ર પ્રક્રિયા પારદર્શી થશે.

એરલાઈનમાં જેમ કોઈ ટિકિટ બુક કરાવતી વખતે સમગ્ર સ્થિતિની જાણકારી મળે છે એવી જ રીતે, હવે ભારતીય રેલવે પણ જુદા જુદા રંગો સાથે સીટિંગ લેઆઉટ દર્શાવશે.

ટ્રેનમાંની ખાલી બેઠકો તેમજ લોકેશન્સ વિશેની તમામ માહિતી યુઝરને ઉપલબ્ધ થશે.

આ ફીચર વેબ ઉપરાંત મોબાઈલ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે.

ભારતીય રેલવેની રિઝર્વ્ડ ટ્રેનોમાં વપરાતા 9 વર્ગના કોચ લેઆઉટ આ સિસ્ટમમાં દર્શાવવામાં આવશે.

આ ફીચર ક્લાસ-વાઈઝ અને કોચ-વાઈઝ ખાલી બર્થની ઉપલબ્ધતા અંગેની જાણકારી આપશે તેમજ ટ્રેનના ફર્સ્ટ ચાર્ટને દર્શાવશે. ફર્સ્ટ ચાર્ટ ટ્રેન ઉપડે એના ચાર કલાક પહેલાં તૈયાર કરવામાં આવતો હોય છે.

જો બીજો ચાર્ટ પણ તૈયાર કરાયો હશે તો બીજા ચાર્ટ વખતના સમયે ઉપલબ્ધ ખાલી સીટની વિગત પણ દર્શાવવામાં આવશે. બીજો ચાર્ટ ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા તૈયાર કરાતો હોય છે.

ચાર્ટ ઉપરાંત યુઝરને જોવાની સુવિધા પણ મળશે.

PNR ઈન્ક્વાયરી દરમિયાન PNRને ફાળવવામાં આવેલી બર્થની ચોક્કસ સ્થિતિ ગ્રાફિકલ કોચ લેઆઉટમાં દર્શાવવામાં આવશે.

આમ, હવે ખાલી સીટ વિશે અને રિઝર્વેશન ચાર્ટની સ્થિતિ જાણવા માટે ટિકિટ ચેકરની પાછળ દોડવાની જરૂર નહીં રહે. એ ચાર્ટ IRCTCની વેબસાઈટ irctc.co.in પર મૂકી દેવાનું શરૂ કરી દેવાયું છે.

IRCTC વેબસાઈટ પર રિઝર્વેશન ચાર્ટ ચેક આ રીતે કરી શકાશેઃ

1. IRCTC વેબસાઈટ પર ‘Charts/Vacancy’ જોવા માટે એક નવો ઓપ્શન મૂકવામાં આવ્યો છે

2. ટ્રેનનો નંબર, સફરની તારીખ અને કયા સ્ટેશનેથી ચડવાનું છે એ વિગતો યુઝરે દર્શાવવાની રહેશે. ત્યારબાદ ક્લાસ-વાઈઝ અને કોચ-વાઈઝ ખાલી સીટની વિગત જોઈ શકાશે.

3. યુઝર કોઈ ચોક્કસ કોચ ઉપર પણ ક્લિક કરી શકશે અને બર્થ-વાઈઝ સીટની વ્યવસ્થાનો લેઆઉટ જોઈ શકશે.

4. કોચ લેઆઉટમાં સંબંધિત PNRને ફાળવવામાં આવેલી બર્થની સ્થિતિને PNR ઈન્ક્વાયરી એન્ડ ફીચરમાં જોઈ શકાશે